મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

પાકિસ્તાનના મિત્ર અઝરબૈજાનનો ભારત તરફ ઝુકાવ! 8 વર્ષ બાદ જયશંકરની મુલાકાતથી શું બદલાશે સમીકરણો?

પાકિસ્તાનના મિત્ર અઝરબૈજાનનો ભારત તરફ ઝુકાવ! 8 વર્ષ બાદ જયશંકરની મુલાકાતથી શું બદલાશે સમીકરણો?
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ભારત અને અઝરબૈજાનના સંબંધોમાં નવી શરૂઆતના સંકેતો મળી રહ્યા છે. પાકિસ્તાન સાથે ગાઢ સંબંધો ધરાવતા અઝરબૈજાન સાથેના દ્વિપક્ષીય સંબંધો સુધારવા માટે ભારતે રાજદ્વારી પ્રયાસો તેજ કર્યા છે. વિદેશમંત્રી એસ. જયશંકરે (S. Jaishankar) અઝરબૈજાનની રાજધાની બાકુમાં રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવ અને વિદેશમંત્રી જેહુન બાયરામોવ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન વેપાર, ઊર્જા, રોકાણ, ડિજિટલ સેવાઓ અને પરિવહન સુવિધાઓ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ખાસ વાત એ છે કે આઠ વર્ષ બાદ કોઈ ભારતીય વિદેશમંત્રી અઝરબૈજાનની મુલાકાતે પહોંચ્યા છે.

પાકિસ્તાન સાથેની નિકટતાથી ભારત-અઝરબૈજાનના સંબંધોમાં તણાવ

ભારત અને અઝરબૈજાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધોમાં કડવાશ જોવા મળી હતી. તેનું એક મુખ્ય કારણ અઝરબૈજાનની પાકિસ્તાન અને તુર્કી સાથેની નિકટતા છે. મે 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ સુધી ચાલેલા સૈન્ય સંઘર્ષ દરમિયાન અઝરબૈજાને પાકિસ્તાન પર થયેલા સૈન્ય હુમલાની નિંદા કરી હતી. આ નિવેદનથી ભારત નારાજ થયું હતું.

જોકે, હવે બંને દેશો સંબંધોને નવી દિશા આપવાના પ્રયાસ કરી રહ્યા છે. જયશંકરે અઝરબૈજાનના રાષ્ટ્રપતિ અલીયેવ સાથેની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છાઓ પાઠવી હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી.

વેપાર અને રોકાણ વધારવા પર ભાર

અઝરબૈજાનના વિદેશમંત્રી બાયરામોવ સાથેની બેઠકને જયશંકરે ઉપયોગી ગણાવી હતી. બંને દેશોએ રાજકીય સંવાદ વધારવા, પ્રતિનિધિમંડળોની મુલાકાતો વધારવા, આર્થિક પ્રવૃત્તિઓનો વિસ્તાર કરવા અને લોકો વચ્ચેના સંબંધો મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.

ભારત અને અઝરબૈજાન વચ્ચે આર્થિક સહયોગ વધારવાની ઘણી સંભાવનાઓ છે. અઝરબૈજાનમાં 1,000થી વધુ ભારતીય કંપનીઓ કાર્યરત હોવાનું અહેવાલમાં જણાવાયું છે. ઓએનજીસી વિદેશ લિમિટેડે (ONGC Videsh Limited) અઝરબૈજાનના તેલ અને ગેસ ક્ષેત્રો તેમજ બાકુ-ત્બિલિસી-જેહાન પાઇપલાઇનમાં આશરે 1.2 અબજ ડોલરનું રોકાણ કર્યું છે.

આટલી સંભાવનાઓ હોવા છતાં બંને દેશો વચ્ચેનો વેપાર મર્યાદિત છે. વર્ષ 2026ના પ્રથમ છ મહિનામાં દ્વિપક્ષીય વેપાર આશરે 600 મિલિયન ડોલર રહ્યો હતો. હવે ઊર્જા, દવા ઉદ્યોગ (Pharmaceuticals), ખનન અને ડિજિટલ સેવાઓમાં સહયોગ વધારવા પર ચર્ચા થઈ છે.

પ્રવાસન અને સીધી ફ્લાઇટ વધારવાની યોજના

ભારતીય પ્રવાસીઓ માટે અઝરબૈજાન લોકપ્રિય સ્થળ તરીકે ઊભરી રહ્યું છે. વર્ષ 2025માં ભારતમાંથી 1,66,944 પ્રવાસીઓ અઝરબૈજાન પહોંચ્યા હતા. પ્રવાસીઓની સંખ્યાની દૃષ્ટિએ ભારત અઝરબૈજાન માટે ચોથો સૌથી મોટો પ્રવાસી સ્ત્રોત દેશ રહ્યો હતો.

બંને દેશોએ હવાઈ સંપર્ક (Air Connectivity) વધારવા અને વધારાની ફ્લાઇટ્સની શક્યતાઓ અંગે પણ ચર્ચા કરી હતી. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર (International North-South Transport Corridor) પર સંકલન વધારવા અંગે સહમતી દર્શાવવામાં આવી હતી. આ પહેલથી વેપાર, પરિવહન અને પ્રાદેશિક સંપર્ક સુવિધાઓને વેગ મળી શકે છે.

ઈરાનમાંથી ભારતીયોને પરત લાવવામાં મદદ બદલ આભાર

જયશંકરે પશ્ચિમ એશિયામાં સંઘર્ષ દરમિયાન ઈરાનમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં મદદ કરવા બદલ અઝરબૈજાન સરકારનો આભાર માન્યો હતો. બેઠકમાં અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચેની શાંતિ પ્રક્રિયા અંગે પણ ચર્ચા થઈ હતી. ભારતે બંને દેશો વચ્ચે ઓગસ્ટ 2025માં થયેલા શાંતિ કરારનું સ્વાગત કર્યું હતું.

જયશંકરે સ્પષ્ટ કર્યું કે વિવાદોનો ઉકેલ વાતચીત અને રાજદ્વારી પ્રયાસો (Diplomacy) દ્વારા આવવો જોઈએ. બંને દેશોએ આતંકવાદ, સંઘર્ષ અને પ્રાદેશિક અસ્થિરતા જેવી સમસ્યાઓ અંગે પણ ચર્ચા કરી હતી.

શું ભારત-અઝરબૈજાનના સંબંધોમાં આવશે નવો વળાંક?

આઠ વર્ષ બાદ ભારતીય વિદેશમંત્રીની અઝરબૈજાન મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને ફરી મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. જોકે, પાકિસ્તાન સાથે અઝરબૈજાનના ગાઢ સંબંધોને ધ્યાનમાં રાખતાં ભારત માટે આ રાજદ્વારી સંતુલન જાળવવું પડકારરૂપ રહેશે.

વેપાર, ઊર્જા, પ્રવાસન અને ડિજિટલ ક્ષેત્રોમાં સહયોગ વધે તો બંને દેશોને આર્થિક લાભ થઈ શકે છે. હવે આ મુલાકાત દરમિયાન થયેલી ચર્ચાઓનું પરિણામ આગામી સમયમાં કયા નક્કર કરારો અને સહયોગના સ્વરૂપમાં સામે આવે છે તેના પર સૌની નજર રહેશે.

આ સમાચાર શેર કરો