દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વારા અંધાધૂંધ ફાયરિંગની ઘટના, 27 લોકોના દર્દનાક મોત

દક્ષિણ આફ્રિકામાં ભયાનક અંધાધૂંધ ગોળીબારની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવતાં સમગ્ર દેશ સ્તબ્ધ થઈ ગયો છે. દેશના બે મુખ્ય શહેરો નજીક થયેલા આ ભીષણ હુમલાઓમાં અત્યાર સુધીમાં 27 લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘવાયા છે.પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે મોડી રાત્રે જોહાનિસબર્ગના દક્ષિણ-પશ્ચિમમાં આવેલી 'વેડેલા ટાઉનશિપ'ના એક બારમાં લોકો સંગીતના તાલ પર નૃત્ય કરી રહ્યા હતા અને ડ્રિંક્સ માણી રહ્યા હતા. તે જ સમયે AK-47 રાઇફલ અને પિસ્તોલ જેવા આધુનિક શસ્ત્રોથી સજ્જ અજ્ઞાત હુમલાખોરો ત્રાટક્યા હતા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ ઘટનામાં 17 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટનાનો ભયાનક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ગોળીઓનો અવાજ ગૂંજતાં જ લાશોના ઢગલા થઈ ગયેલા જોવા મળે છે.
કેપ ટાઉન નજીક સ્ટોર પર હુમલો: 10 લોકોના મોત
બીજી લોહિયાળ ઘટના રવિવારે વહેલી સવારે આશરે 1 વાગ્યે કેપ ટાઉન નજીક આવેલા 'લવાંડલે' વિસ્તારમાં બની હતી. અહીં એક સ્ટોર પર ત્રાટકેલા હુમલાખોરોએ કરેલા અંધાધૂંધ ફાઇરિંગમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટનાના થોડા દિવસો પહેલા જ પૂર્વ કિનારે આવેલા ડરબન શહેર નજીક એક હાઉસ પાર્ટીમાં થયેલા ગોળીબારમાં સગર્ભા મહિલા સહિત 11 લોકોના મોત થયા હતા.
હજુ સુધી કોઈની ધરપકડ નહીં: તપાસ તેજ
સાઉથ આફ્રિકન પોલીસ સર્વિસે જણાવ્યા મુજબ, હુમલો કોણે અને કયા કારણોસર કર્યો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી. બંને બનાવોમાં મલ્ટિપલ શૂટર્સ (એકથી વધુ હુમલાખોરો) સંકળાયેલા હોવાના પ્રાથમિક અહેવાલો છે. પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરીને આરોપીઓને ઝડપી પાડવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

