અમેરિકામાં ચૂંટણી હિંસક બની!, ટ્રમ્પ પછી હવે કમલા હેરિસની ઓફિસ પર બીજી વખત હુમલો
અમેરિકાના એરિઝોના રાજ્યમાં ડેમોક્રેટિક પદના ઉમેદવાર કમલા હેરિસના ચૂંટણી કાર્યાલય ઉ

અમેરિકાના એરિઝોના રાજ્યમાં ડેમોક્રેટિક પદના ઉમેદવાર કમલા હેરિસના ચૂંટણી કાર્યાલય ઉપર ફરી એકવાર ગોળીબારની ઘટનાથી હડકંપ મચ્યો છે. એક મહિનામાં આ બીજી ઘટના હતી જ્યારે ટેમ્પે શહેરમાં ચૂંટણી કાર્યાલયને નિશાન બનાવાયું હોય. ઓફિસની સામે બારીઓ પર પેલેટ ગન વડે ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
ફોનિક્સ સિટીમાં ડેમોક્રેટિક પાર્ટીની ઓફિસ પર ગોળીબાર થયા બાદ કમલા હેરિસની એરિઝોના પ્રચાર કાર્યાલયને એક મહિનામાં બીજી વખત નિશાન બનાવવામાં આવ્યું હતું. હજુ સુધી કોઈને ઈજાના અહેવાલ નથી. અગાઉ 16 સપ્ટેમ્બરની રાત્રે ઓફિસની આગળની બારીઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.
ગઈકાલે રાતે બની હતી ઘટના!
ટેમ્પે પોલીસે જણાવ્યું કે આ ઘટના ગત રાત્રિએ બની હતી. ડેમોક્રેટિક નેશનલ કમિટીના કાર્યાલયે આ ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં મોટા નુકસાનની વાત સામે આવી છે. જોકે આ ઘટનામાં કોઈ ઘાયલ કે મૃત્યુ પામ્યાની જાણકારી હજુ મળી શકી નથી.
પોલીસ ઓફિસરે આપી માહિતી
પબ્લિક ઈન્ફર્મેશન ઓફિસર સાર્જન્ટ રયાન કુકે કહ્યું કે ઘટના સમયે કાર્યાલયના પરિસરની અંદર કોઈ નહોતું પણ તાજેતરના હુમલાને કારણે એ બિલ્ડિંગમાં કામ કરનારા લોકોની સાથે સાથે આજુબાજુમાં રહેતા લોકોની સુરક્ષા અંગે ચિંતા ઊભી થઈ છે.
ફૂટેજ પણ જાહેર કરાયા
જણાવી દઈએ કે છેલ્લા બે સપ્તાહમાં કમલા હેરિસની ઓફિસ પર હુમલાની આ બીજી ઘટના છે. સ્થાનિક મીડિયાએ આ ઘટના બાદના ફૂટેજ પણ જાહેર કર્યા હતા જેમાં ઓફિસના એક દરવાજા અને બે બારીઓમાં ગોળીઓના નિશાન દેખાયા હતા. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે ઘટનાસ્થળે સુરક્ષામાં વધારો પણ કરી દીધો છે.
ટ્રમ્પ ઉપર પણ બે વખત હુમલો કરવામાં આવ્યો
આ પહેલા પણ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ટ્રમ્પ પર હુમલાના બે પ્રયાસો થયા હતા. જેમાં તેઓ બચી ગયા હતા. તાજેતરમાં જ અમેરિકન ગુપ્તચર અધિકારીઓએ ટ્રમ્પને ફરી એકવાર જોખમો અંગે ચેતવણી આપી છે. મંગળવારે યુએસ ગુપ્તચર અધિકારીઓએ પૂર્વ રાષ્ટ્રપતિને ઈરાન તરફથી આવી રહેલી હત્યાની ધમકીઓ વિશે માહિતી આપી હતી. આ દરમિયાન એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પના જીવને ખતરો છે.




