'આજે રાત્રે એક સભ્યતા ખતમ થઈ જશે, હું ઈચ્છતો નથી પણ કદાચ એવું જ થશે' ; ટ્રમ્પની ઈરાનને સૌથી મોટી ધમકી

ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે અત્યંત આક્રમક વલણ અપનાવી રહ્યા છે. તેઓ ઈરાનને સતત અલ્ટીમેટમ આપી રહ્યા છે અને હવે તેમના નવા અલ્ટીમેટમની સમયમર્યાદા પૂર્ણ થવા જઈ રહી છે. આ દરમિયાન ઈરાનના વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ એવા ખાર્ગ ટાપુ સહિત અનેક સ્થળોએ અમેરિકા અને ઈઝરાયલે ઉપરા-છાપરી ભીષણ હુમલા શરૂ કર્યા છે.
ટ્રમ્પની ઈરાનને સૌથી મોટી ધમકી
ડેડલાઈન પૂર્ણ થાય તે પહેલા જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સૌથી મોટી ધમકી આપી છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર લખ્યું કે, "એક આખી સભ્યતા આજે રાત્રે ખતમ થઈ જશે, જે ક્યારેય પાછી નહીં લાવી શકાય. હું નથી ઈચ્છતો કે એવું થાય, પણ કદાચ એવું જ થશે. જોકે, હવે જ્યારે આપણી પાસે સંપૂર્ણ શાસન પરિવર્તન છે, જ્યાં અલગ, વધુ સમજદાર અને ઓછા કટ્ટરપંથી મન પ્રબળ છે, તો કદાચ કંઈક ક્રાંતિકારી અને અદભૂત બની શકે છે, કોણ જાણે? વિશ્વના લાંબા અને જટિલ ઇતિહાસની સૌથી મહત્ત્વપૂર્ણ ક્ષણોમાંની એક એવી આ રાત્રે આપણને ખબર પડી જશે. 47 વર્ષની જબરદસ્તી વસૂલાત, ભ્રષ્ટાચાર અને મૃત્યુનો આખરે અંત આવશે. ઈરાનના મહાન લોકો પર ઈશ્વરની કૃપા બની રહે!"
9 લોકોના મોત, 15 લોકો ઈજાગ્રસ્ત
ઈરાનના શાહરીયાર શહેરમાં એક રહેણાંક ઈમારત પર થયેલા ભીષણ હુમલામાં 9 લોકોના મોત થયા છે અને 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે કરજ વિસ્તારમાં વીજ લાઈનો પર પ્રોજેક્ટાઈલ પડતા વીજ પુરવઠો ખોરવાયો છે. આ હુમલા બાદ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ આકરી પ્રતિક્રિયા આપતા અમેરિકા અને તેના સહયોગી દેશોને ચેતવણી આપી છે કે જો અમેરિકા તેની 'રેડ લાઇન' પાર કરશે, તો તેઓ મધ્ય પૂર્વની બહાર જઈને પણ જવાબી કાર્યવાહી કરશે. આ આક્રમક વલણ સાથે ઈરાને પશ્ચિમી દેશોને તેલ અને ગેસના પુરવઠા માટે તરસાવી દેવાની પણ ધમકી આપી છે.
ખાર્ગ ટાપુ સહિત અનેક સ્થળો નિશાને
મેહર ન્યૂઝના અહેવાલ મુજબ, ઈરાનના ઓઈલ હબ ગણાતા ખાર્ગ ટાપુ પર મંગળવારે તોબડતોડ હવાઈ હુમલા થયા છે. ખાર્ગ પર એક પછી એક અનેક હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે આખા વિસ્તારમાં તણાવ વ્યાપી ગયો છે. ઈરાની અહેવાલોમાં તેહરાન, કોમ અને લોરેસ્તાન પ્રાંતના ખોર્રમાબાદ એરપોર્ટ સહિત અન્ય કેટલાક સ્થળો પર વિસ્ફોટોનો ઉલ્લેખ છે. આ સાથે અગાઉ હમદાનના એક રહેણાંક વિસ્તાર પર થયેલા હુમલાની માહિતી પણ આપવામાં આવી છે.

