26 દિવસની નર્કાગાર યાત્રા અને અંતે મોત: એટલાન્ટિકના ઊંડા પાણીમાં 80 લોકો ગરકાવ, રૂંવાડાં ઊભાં કરી દે તેવી કહાણી!

સ્પેનના કેનેરી ટાપુઓ નજીક શરણાર્થીઓથી ભરેલી એક બોટ ગંભીર અકસ્માતનો ભોગ બની છે. એટલાન્ટિક મહાસાગરમાં મળેલી આ બોટ દુર્ઘટનામાં એક બાળક સહિત આશરે 80 જેટલા લોકોના મોત થયા હોવાની આશંકા છે. સ્પેનિશ મેરીટાઇમ રેસ્ક્યુ સર્વિસ (સાલ્વામેન્ટો મેરિટિમો)ના જણાવ્યા અનુસાર, આ બોટ ગ્રેન કેનેરિયા ટાપુથી લગભગ 120 કિલોમીટર દક્ષિણમાં મળી આવી હતી અને તે આશરે 26 દિવસથી દરિયામાં રસ્તો ભટકી ગઈ હતી.
બોટમાં 128 લોકો સવાર હતા
આ બોટમાં શરૂઆતમાં કુલ 128 મુસાફરો સવાર હતા, જેઓ ગેમ્બિયાથી કેનેરી ટાપુઓ તરફ જવા નીકળ્યા હતા. જોકે જ્યારે બચાવ ટુકડી ત્યાં પહોંચી ત્યારે માત્ર 45 લોકો જ જીવતા મળ્યા હતા અને 5 મૃતદેહ બોટ પર હતા. દરિયામાં અત્યંત ખરાબ હવામાન હોવાના કારણે બચાવ ટીમે તે મૃતદેહોને બોટ પર જ છોડી દેવા પડ્યા હતા.
બચી ગયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા
આ હોનારતમાં જીવતા બચી ગયેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બચાવ ટીમે આ લોકોને અર્ગુઈનેગુઈન બંદર પર ઉતાર્યા હતા, જ્યાં રેડ ક્રોસ અને સ્થાનિક તંત્ર દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જીવિત બચેલા લોકોમાં મોટાભાગના ગેમ્બિયા અને માલી દેશના છે. ઘણા દિવસો સુધી અનાજ અને શુદ્ધ પાણી ન મળવાને કારણે તેઓ દરિયાનું ખારું પાણી પીવા મજબૂર બન્યા હતા, જેના કારણે તેમની તબિયત વધુ લથડી હતી.
શરણાર્થીઓ માટે અત્યંત જોખમી છે કેનેરી રૂટ
આફ્રિકાથી યુરોપ પહોંચવા માટે કેનેરી રૂટ દુનિયાના સૌથી ખતરનાક દરિયાઈ માર્ગો પૈકીનો એક માનવામાં આવે છે. દર વર્ષે સેંકડો શરણાર્થીઓ આ માર્ગે દરિયામાં ડૂબી જવાથી કે ભૂખ-તરસથી જીવ ગુમાવે છે. પશ્ચિમ આફ્રિકાથી કેનેરી ટાપુઓ વચ્ચેનું અંતર ઘણું વધારે છે અને નાની બોટમાં ક્ષમતા કરતાં વધારે લોકોને બેસાડવામાં આવતા હોવાથી તે પલટી જાય છે. વર્ષ 2026 માં પણ આ જળમાર્ગ પર સેંકડો લોકોના મોત થઈ ચૂક્યા છે. આફ્રિકન દેશોમાં અત્યંત ખરાબ પરિસ્થિતિ હોવાને કારણે લોકો વધુ સારા ભવિષ્યની શોધમાં જીવના જોખમે ગેરકાયદેસર રીતે યુરોપ જવા રવાના થાય છે.

