Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : 162 km/h speed and fear of massive destruction, blackouts and airport shutdowns in Japan, flood and landslide warnings; Typhoon 'Bavi' crisis over Asia

VIDEO: 162 કિમીની સ્પીડ અને ભારે તબાહીનો ડર, જાપાનમાં બ્લેકઆઉટ અને ઍરપૉર્ટ ઠપ્પ, પૂર અને ભૂસ્ખલનની ચેતવણી ; એશિયા પર ટાયફૂન 'બાવી'નું સંકટ

Timeછેલ્લું અપડેટ : 10 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

એક તરફ દુનિયાના ઘણા ભાગો ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ પૂર્વ એશિયામાં કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. પ્રશાંત મહાસાગરમાંથી ઉદ્ભવેલું ટાયફૂન 'બાવી' (Typhoon Bavi) અત્યંત આક્રમક ગતિએ તાઈવાન, જાપાન અને દક્ષિણ-પૂર્વ ચીન તરફ આગળ વધી રહ્યું છે. આ આપત્તિ એવા સમયે આવી છે જ્યારે ચીનના અન્ય ભાગોમાં આ અઠવાડિયે આવેલા જીવલેણ વાવાઝોડાના કારણે ઓછામાં ઓછા 50 લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે.

App Store

બાવી વાવાઝોડાના કારણે પૂર અને ભૂસ્ખલનની શક્યતા

જાપાનના દક્ષિણ-પશ્ચિમમાં આવેલા અંતરિયાળ ટાપુઓ પર હાઇ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આ વાવાઝોડું આ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોનું સૌથી વિનાશક તોફાન સાબિત થઈ શકે છે, જેના કારણે ભારે પૂર, ભૂસ્ખલન અને ભયાનક પવન ફૂંકાવાની શક્યતા છે.

162 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા

હવામાન વિભાગ અનુસાર બાવી વાવાઝોડું શનિવારે વહેલી સવારે તાઈવાન નજીકના જાપાનના સાકિશિમા ટાપુઓની ખૂબ નજીકથી પસાર થવાની સંભાવના છે. આ વાવાઝોડામાં પવનની મહત્તમ ગતિ 162 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ છે.

જાપાનના ટાપુઓ પર બ્લેકઆઉટ અને ઍરપૉર્ટ ઠપ્પ

વાવાઝોડાની ગંભીર અસર અત્યારથી જ જોવા મળી રહી છે. ઓકિનાવારમાં શુક્રવાર સુધીમાં જ લગભગ 900 ઇમારતોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. લોકપ્રિય પ્રવાસી મથક ગણાતા ઇશિગાકી ટાપુ પર લોકો પોતાના ઘરો અને દુકાનોની બારીઓ પર ટેપ લગાવી રહ્યા છે અને પવનથી બચવા માટે નેટ બાંધી રહ્યા છે. બજારમાં પરિસ્થિતિ એવી છે કે લોકોએ સુપરમાર્કેટમાંથી ઇન્સ્ટન્ટ નૂડલ્સ અને ખાણી-પીણીનો સામાન ખરીદીને આખી આખી શેલ ખાલી કરી દીધી છે.

આ આફતના કારણે એરલાઇન્સે આ પ્રદેશમાં સેંકડો ફ્લાઇટ્સ ગ્રાઉન્ડેડ કરી દીધી છે. જાપાન એરલાઇન્સે શુક્રવાર અને શનિવાર માટે 100થી વધુ ફ્લાઇટ્સ રદ કરી છે, જેનાથી લગભગ 20,000 મુસાફરો પ્રભાવિત થયા છે. જ્યારે તેની હરીફ એરલાઇન ઓલ નિપ્પોન એરવેઝે રવિવાર સુધીની 160થી વધુ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે, જેનાથી આશરે 20,000 લોકોની મુસાફરી ખોરવાઈ ગઈ છે.

તાઈવાનમાં 36 ઇંચ વરસાદ પડે તેવી શક્યતા

ટાયફૂન 'બાવી' ભલે તાઈવાનની ધરતી પર સીધું લેન્ડફોલ ન કરે, પરંતુ શુક્રવાર મોડી રાતથી તે આ ટાપુ પર આશરે 1 મીટર (3.3 ફીટ) જેટલો રૅકોર્ડબ્રેક વરસાદ ખાબકી શકે છે.

તાઈવાન થંભી ગયું: શાળાઓ બંધ અને ફ્લાઇટ્સ રદ

વાવાઝોડાની ગંભીરતાને જોતા તાઈવાનના પાટનગર તાઈપેઈમાં શુક્રવારે તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. તાઈવાનની સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, શનિવાર સુધી જાપાન, હોંગકોંગ અને અન્ય દેશોમાં જતી ઘણી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ કરી દેવામાં આવી છે, જોકે કેટલીક ફ્લાઈટ્સ હજુ પણ શેડ્યૂલ મુજબ કાર્યરત છે. વાવાઝોડાનો વર્તમાન ટ્રેક ઉત્તર-પશ્ચિમ તરફનો છે, જે શનિવારે તાઈવાનની ઉત્તરેથી પસાર થતાં પહેલા જાપાનના કેટલાક અંતરિયાળ ટાપુઓ પરથી પસાર થશે. તે શનિવારે રાત્રે શાંઘાઈની દક્ષિણે, ફુજિયન અને ઝેજિયાંગ પ્રાંતની સરહદ નજીક ચીનમાં લેન્ડફોલ કરે તેવી સંભાવના છે.

ચીનમાં 1 કરોડની વસતી ધરાવતા શહેરમાં ઍલર્ટ

શનિવારે મોડી રાત્રે અથવા રવિવારે વહેલી સવારે આ વાવાઝોડું ચાઈનાના પૂર્વ કિનારે આવેલા વેન્ઝોઉ શહેર આસપાસ ત્રાટકે તેવી સંભાવના છે. વેન્ઝોઉ આશરે 1 કરોડની વસતી ધરાવતું એક મોટું ઔદ્યોગિક શહેર છે. અહીંના તમામ માછીમારોને દરિયામાંથી પાછા બોલાવી લેવાયા છે.

ચીનમાં રેડ ઍલર્ટ: હજારો લોકોનું રેસ્ક્યૂ

આ ભયાનક તોફાનનો સામનો કરવા માટે ચીને યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દીધી છે. શિન્હુઆ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, ઝેજિયાંગ પ્રાંતમાં 17,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે અને 170,000 જેટલા બચાવકર્મીઓને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે. ફુજિયન પ્રાંતમાં જોરદાર પવન અને ઉછળતા સમુદ્રને કારણે કેટલીક ફેરી સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે અને માછીમારોની બોટોને તાત્કાલિક બંદરે પરત ફરવા માટે કટોકટીની સૂચના અપાઈ છે.

ચીનમાં 'માયસાક' તોફાનનો કેર, ડેમ તૂટ્યો; પૂરમાં 39ના મોત

ચીન અત્યારે એકસાથે અનેક કુદરતી આફતોનો સામનો કરી રહ્યું છે. દક્ષિણ ચીનમાં ગુરુવારે 'માયસાક' તોફાનને કારણે આવેલા પૂરમાં 39 લોકોના મોત થયા છે. આ તોફાને ગુઆંગસી ક્ષેત્રના કેટલાક ભાગોને રૅકોર્ડબ્રેક વરસાદથી તરબોળ કરી દીધા હતા. ભારે વરસાદને કારણે જળાશયો ઓવરફ્લો થઈ ગયા હતા, જેમાં હેંગઝોઉમાં એક ડેમનો ભાગ તૂટી પડ્યો હતો. આ ડેમ તૂટવાના કારણે વિશાળ વિસ્તારમાં કાદવવાળું પાણી ખૂબ જ ઝડપથી ફરી વળ્યું હતું. પૂરના કારણે લોકો દિવસો સુધી ઇમારતોના બીજા અને તેનાથી ઉપરના માળ પર ફસાયેલા રહ્યા હતા, જેમાં ઘણા વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ હતી. બચાવકર્મીઓ પહોંચ્યા ત્યાં સુધી લોકો ભૂખ્યા-તરસ્યા ફસાયેલા રહ્યા હતા.

હુબેઈમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો, તો ક્યાંય ભૂસ્ખલનમાં 21ના મોત

આ ઉપરાંત, મધ્ય ચાઈનાના હુબેઈ પ્રાંતમાં સોમવારે રાત્રે આવેલા તીવ્ર વાવાઝોડા અને ટોર્નેડોએ ભારે વિનાશ વેર્યો હતો, જેમાં અન્ય 11 લોકોના મોત થયા હતા. આ તમામ વાવાઝોડાથી અલગ, પશ્ચિમ ચાઇનાના ગાન્સુ પ્રાંતમાં મંગળવારે એક મોટો ભૂસ્ખલન થયો હતો, જેમાં વનવિભાગના 21 કામદારોના મોત થયા હતા, જોકે આ દુર્ઘટના વાવાઝોડા સાથે સંબંધિત નહોતી.

ફિલિપાઈન્સમાં ભૂસ્ખલન થતાં 15ના મોત

બાવી વાવાઝોડું એશિયાના મુખ્ય ભાગો સાથે ટકરાય તે પહેલા જ, તેના કારણે સક્રિય થયેલા ચોમાસાના લીધે દક્ષિણ ફિલિપાઈન્સ મિંડાનાઓ ટાપુ પર અનેક જગ્યાએ મોટો ભૂસ્ખલન થયો છે. આ કુદરતી હોનારતમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 15 લોકોના કરુણ મોત થયા છે. પહાડી વિસ્તારોમાં કેટલાય પરિવારો કાટમાળ નીચે દબાઈ ગયા છે અને બચાવકર્મીઓ હજુ પણ ગુમ થયેલા લોકોની શોધખોળ કરી રહ્યા છે.