IND vs WI / 162 રનમાં સમેટાઈ વેસ્ટ ઈન્ડિઝની પહેલી ઈનિંગ, મોહમ્મદ સિરાજે લીધી 4 વિકેટ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પહેલી ટેસ્ટ આજથી નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલી ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ માત્ર 162 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. ભારત માટે મોહમ્મદ સિરાજે સૌથી વધુ 4 વિકેટ લીધી. જ્યારે જસપ્રીત બુમરાહે 3 વિકેટ, કુલદીપ યાદવે 2 વિકેટ અને વોશિંગ્ટન સુંદરે 1 વિકેટ લીધી.
આવી રહી પહેલી ઈનિંગ
વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલું સેશન મોહમ્મદ સિરાજના નામે રહ્યું, જેણે વેસ્ટ ઈન્ડિઝની 5માંથી 3 વિકેટ લીધી હતી. તેણે બીજા સેશનમાં વધુ એક વિકેટ લીધી, જોકે તે પોતાની પાંચ વિકેટ પૂર્ણ ન કરી શક્ય.. સિરાજે તેજનારાયણ ચંદ્રપોલ (0), એલિક એથાનાઝ (12), બ્રાંડન કિંગ (13) અને રોસ્ટન ચેઝ (24) ને આઉટ કર્યા. સિરાજે તેના 14 ઓવરના સ્પેલમાં 40 રન આપ્યા હતા.
જસપ્રીત બુમરાહએ તેના 14 ઓવરના સ્પેલમાં 42 રન આપીને 3 વિકેટ લીધી, જેમાંથી બે વિકેટ (જસ્ટિન ગ્રીવ્સ અને જોહાન લાઈન) તેણે શાનદાર યોર્કર પર લીધી હતી. કુલદીપ યાદવે બે વિકેટ લીધી, અને વોશિંગ્ટન સુંદરે એક વિકેટ લીધી.
વેસ્ટ ઈન્ડિઝ માટે જસ્ટિન ગ્રીવ્સ સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતા, તેમણે 48 બોલમાં 32 રન બનાવ્યા હતા. આ સિવાય કેપ્ટન રોસ્ટન ચેઝે 24 અને શાઈ હોપે 26 રન બનાવ્યા હતા. આ સાથે વેસ્ટ ઈન્ડિઝની પહેલી ઈનિંગ 44.1 ઓવરમાં 162 રન પર સમેટાઈ ગઈ.

