મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO:ANDARNI VAAT/કથુઆની લીચીની લાલી, બાગાયત ક્ષેત્રે સર્જાયો નવો ઈતિહાસ!

જમ્મુ-કાશ્મીરના કથુઆ જિલ્લામાં આ વર્ષે લીચીનું વિક્

જમ્મુ-કાશ્મીરના કથુઆ જિલ્લામાં આ વર્ષે લીચીનું વિક્રમી ઉત્પાદન નોંધાતા સમગ્ર વિસ્તારના બાગાયત ક્ષેત્રમાં મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કથુઆની અનુકૂળ આબોહવા અને ખેડૂતોની આધુનિક ખેતી પદ્ધતિને કારણે લીચીનો પાક બમ્પર રહ્યો છે. હાલમાં જિલ્લાના તમામ લીચીના બગીચાઓ લાલચોળ મીઠા ફળોથી લહેરાઈ રહ્યા છે. બગીચાઓમાં સવારથી જ ફળો ઉતારવાની અને તેના પેકિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. કથુઆના મુખ્ય બાગાયત અધિકારી અશ્વિની શર્માના જણાવ્યા અનુસાર, વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી તકનીકી મદદ અને યોગ્ય માર્ગદર્શનને કારણે આ વર્ષે ગુણવત્તા અને જથ્થો બંનેમાં મોટો વધારો થયો છે, જે આગામી સમયમાં સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવશે.

બીજી તરફ, આ સારા પાકથી સ્થાનિક ખેડૂતો અને શ્રમિકોના ઘરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. વર્ષોથી લીચીની ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત રણધીર રાજે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, આ વર્ષે હવામાન સાનુકૂળ રહેતા અને પાકની યોગ્ય જાળવણીના કારણે ઉત્પાદને અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે, જેથી તેમને બજારમાં ખૂબ જ સારા ભાવ મળવાની આશા છે. આ બમ્પર ઉત્પાદનના લીધે રોજગારીની પણ નવી તકો ઊભી થઈ છે. બગીચામાં કામ કરતા શ્રમિક ઈમરાનના કહેવા પ્રમાણે, આ સિઝનમાં સ્થાનિક સ્તરે જ પૂરતું કામ મળી રહેતા મજૂરો અને તેમના પરિવારોમાં ઘણો સંતોષ છે. કથુઆની આ રસદાર અને ગુણવત્તાયુક્ત લીચી હવે માત્ર સ્થાનિક સ્તરે જ નહીં, પરંતુ દેશના અન્ય રાજ્યોના બજારોમાં પણ મોકલવા માટે સજ્જ થઈ ચૂકી છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો