મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

ANDAR NI VAAT/ આસામમાં પૂર, અરુણાચલમાં ફ્લેશ ફ્લડથી ભારે તબાહી

આસામમાં અનરાધાર વરસાદ બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ ગંભીર બની છે.

આસામમાં અનરાધાર વરસાદ બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ ગંભીર બની છે. ખાસ કરીને ધેમાજી, લખીમપુર, ડિબ્રુગઢ, નલબારી, કોકરાઝાર અને ચિરાંગ જિલ્લાઓમાં નદીઓના જળસ્તરમાં સતત વધારો થતાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના જણાવ્યા મુજબ હજારો લોકો પૂરથી પ્રભાવિત બન્યા છે, જ્યારે અનેક ગામોનો અન્ય વિસ્તારો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. સૌથી વધુ અસર ધેમાજી જિલ્લામાં જોવા મળી રહી છે, જ્યાં અનેક ગામોમાં પૂરનું પાણી ઘૂસી ગયું છે અને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ આસામમાં વહેતી અનેક નદીઓમાં જળસ્તર ઝડપથી વધ્યું છે. શિવસાગર જિલ્લામાં ડિસાંગ નદી અને ડીખૌ નદી જોખમી સપાટીથી ઉપર વહી રહી છે, જ્યારે કાલડિયા નદીમાં પણ જળસ્તર વધતાં બાજાલી વિસ્તારમાં બંધ તૂટવાના બનાવો નોંધાયા છે. સિમેન નદી પરનો રેલવે પુલ આંશિક રીતે ધરાશાયી થતાં ટ્રેન વ્યવહારને પણ અસર પહોંચી છે. અત્યાર સુધીમાં લગભગ 22 હજારથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે, 90થી વધુ ગામોમાં પાણી ફરી વળ્યું છે અને અંદાજે 1,690 હેક્ટરથી વધુ ખેતીલાયક જમીન પાણીમાં ડૂબી ગઈ છે. અનેક રસ્તાઓ અને પુલોને નુકસાન થતાં વાહન વ્યવહાર ખોરવાયો છે. રાજ્ય સરકાર, NDRF અને SDRFની ટીમો બચાવ અને રાહત કામગીરીમાં જોડાઈ છે.

અરુણાચલ પ્રદેશના યાઝાલી અને કેયી પાન્યોર જિલ્લાના પૂસા વિસ્તારમાં 24 જૂને વાદળ ફાટવા જેવી અતિભારે વરસાદી ઘટનાના પગલે આવેલા ફ્લેશ ફ્લડ અને ભૂસ્ખલનથી ભારે વિનાશ સર્જાયો હતો. પાણીના જોરદાર પ્રવાહે રહેણાંક વિસ્તારો, માર્ગો અને જાહેર માળખાને ભારે નુકસાન પહોંચાડ્યું હતું, જ્યારે અનેક મકાનો પાણી અને કાટમાળમાં ધોવાઈ ગયા હતા. હાલમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ યથાવત રહેતાં સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય બની નથી. પહાડી વિસ્તારોમાંથી સતત પાણી અને કાટમાળ ધસી આવતાં અનેક માર્ગો પર વાહનવ્યવહાર ખોરવાયો છે, જ્યારે કેટલાક ગામોનો સંપર્ક હજુ પણ તૂટેલો છે. બચાવ અને રાહત કામગીરી માટે NDRF, SDRF અને સ્થાનિક વહીવટી તંત્ર સતત કામગીરી કરી રહ્યું છે તેમજ અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો અને પીવાના પાણીની સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. સતત વરસાદને કારણે નદીઓ અને નાળાઓ ઉફાન પર છે, જેના કારણે નવા ફ્લેશ ફ્લડ અને ભૂસ્ખલનની આશંકા યથાવત છે. 

બ્યુરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો