VIDEO: ANDARNI VAAT / કાંકેરના જંગલોમાં નક્સલી ડમ્પનો પર્દાફાશ, સશસ્ત્ર દળોએ હુમલાનું ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું!
છત્તીસગઢના કાંકેર અને દંતેવાડા જિલ્લામાં નક્સલવિરોધી અભિયાન દરમિયાન સુરક્ષા દળોને મોટી સફળતા સાંપડી છે. કાંકેર જિલ્લાના ઘનઘોર જંગલ વિસ્તારમાં ચલાવવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસ અને જવાનોની ટીમે નક્સલીઓના એક ગુપ્ત ડમ્પને શોધી કાઢ્યો હતો. આ ડમ્પમાંથી મોટી માત્રામાં ગેરકાયદેસર શસ્ત્રો, કારતૂસ અને માઓવાદી સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. કાંકેર પોલીસ દ્વારા જાહેર કરાયેલા દ્રશ્યોમાં નક્સલીઓની આ સામગ્રી સ્પષ્ટપણે જોઈ શકાય છે, જે સુરક્ષા દળો પર મોટા હુમલાના ષડયંત્ર તરફ ઈશારો કરે છે. સમયસર મળેલી બાતમીના આધારે સશસ્ત્ર દળોએ નક્સલીઓના આ મનસૂબાને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવી દીધો છે.
બીજી તરફ, દંતેવાડા જિલ્લામાં આત્મસમર્પણ કરનારા માઓવાદીઓની આકરી પૂછપરછ અને તેમની પાસેથી મળેલી મહત્વની ઇનપુટ્સના આધારે પોલીસે સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન દંતેવાડા પોલીસે નક્સલીઓના ગુપ્ત સ્થળોએથી ભારે માત્રામાં હથિયારો, વિસ્ફોટકો, રોકડ રકમ અને સોનું જપ્ત કર્યું છે. આત્મસમર્પણ કરનારા નક્સલીઓની માહિતીના આધારે મળેલી આ સફળતા નક્સલી નેટવર્ક માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. દંતેવાડા પોલીસ દ્વારા જપ્ત કરાયેલા આ વિસ્ફોટકો અને રોકડ રકમે નક્સલીઓના આર્થિક અને સશસ્ત્ર માળખાને છીન્નભિન્ન કરી દીધું છે. સમગ્ર વિસ્તારમાં હાલ પણ સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

