VIDEO: ANDARNI VAAT / કેન્સરને માત આપી મેરઠના દંપતીએ અથાણાંના વ્યવસાયથી ઊભો કર્યો ₹૫૦ લાખનો સામ્રાજ્ય!
ઉત્તર પ્રદેશના મેરઠમાંથી હિમ્મત, સંઘર્ષ અને સફળતાની એક અત્યંત પ્રેરણાદાયી વાર્તા સામે આવી છે. કેન્સર જેવી જીવલેણ બીમારીને માત આપનાર એક દંપતીએ પોતાની અદમ્ય ઈચ્છાશક્તિના જોરે અથાણાંનો એક સફળ બિઝનેસ ઊભો કર્યો છે.. લવિના-તૃપ્તિ ફૂડ્સના સ્થાપક લવિના જૈન અને તેમના પતિએ કેન્સર સામેની જંગ જીત્યા બાદ હાર માનવાને બદલે નવી શરૂઆત કરવાનો દ્રઢ નિર્ધાર કર્યો હતો. તેમણે પોતાના ઘરથી જ દેશી સ્વાદ અને પરંપરાગત પદ્ધતિથી અથાણાં બનાવવાનું શરૂ કર્યું હતું. આજે તેમની મહેનત રંગ લાવી છે અને તેમનો આ અથાણાંનો ગૃહ ઉદ્યોગ વર્ષે અંદાજે રૂપિયા ૫૦ લાખનું ટર્નઓવર કરતો એક સફળ વ્યવસાય બની ગયો છે..
આ કેન્સર સરવાઈવર દંપતીની વિશેષતા એ છે કે તેમણે માત્ર પોતાની સફળતા સુધી જ સીમિત ન રહેતા સમાજ માટે પણ ઉદાહરણ પૂરું પાડ્યું છે. લવિના જૈને પોતાના આ સાહસ માધ્યમથી સ્થાનિક ક્ષેત્રની આશરે ૭૦ જેટલી મહિલાઓને સન્માનજનક રોજગારી પૂરી પાડીને આત્મનિર્ભર બનાવી છે. શુદ્ધ મસાલા અને ઉત્કૃષ્ટ ગુણવત્તાના કારણે તેમના અથાણાંની માંગ બજારમાં સતત વધી રહી છે. કેન્સર જેવા કપરા સમયમાંથી બહાર આવીને શૂન્યમાંથી સર્જન કરનાર આ દંપતીની સફર આજે દેશભરના લોકો માટે અને ખાસ કરીને મહિલાઓ માટે આશા અને આત્મવિશ્વાસનું નવું કિરણ બની રહી છે..
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

