VIDEO: ANDARNI VAAT / ડોડાના ઠાઠરીમાં આકાશી આફતનો કહેર, ફ્લેશ ફ્લડ અને લેન્ડસ્લાઈડથી વાહનવ્યવહાર થયો ઠપ્પ!
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના ઠાઠરી વિસ્તારમાંથી આકાશી આફત અને કુદરતી પ્રકોપના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. પહાડી વિસ્તારોમાં થયેલા ભારે વરસાદને કારણે અચાનક પૂર અને મોટું ભૂસ્ખલન થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. પહાડો પરથી ધસી આવેલા કાદવ, માટી અને તોતિંગ પથ્થરોના કાટમાળના લીધે મુખ્ય ધોરીમાર્ગ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. ડ્રોન કેમેરાથી લેવામાં આવેલા દ્રશ્યોમાં પહાડો પરથી ધસમસતો પાણીનો પ્રવાહ અને રસ્તાઓ પર પથરાયેલો વિરાટ કાટમાળ સ્પષ્ટપણે જોઈ શકાય છે, જેના કારણે બંને બાજુ સેંકડો વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે અને મુસાફરો તથા સ્થાનિક લોકો વચ્ચે ભારે હાલાકી સર્જાઈ છે.
આ કુદરતી હોનારતની જાણ થતાં જ વહીવટી તંત્ર, બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન અને સ્થાનિક પોલીસની ટીમો તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જેસીબી અને ભારે મશીનરીની મદદથી રસ્તા પરથી કાટમાળ હટાવીને માર્ગ પુન શરૂ કરવાના અથાક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ સતત પડી રહેલા વરસાદ અને ફરી ભૂસ્ખલન થવાની આશંકાને કારણે કામગીરીમાં વિઘ્નો આવી રહ્યા છે. સુરક્ષાના ભાગરૂપે પ્રશાસન દ્વારા લોકોને બિનજરૂરી પ્રવાસ ન કરવાની અને સુરક્ષિત સ્થળોએ રહેવાની કડક સૂચના આપવામાં આવી છે. પૂર અને માટી ધસી પડવાની આ દુર્ઘટનાથી સમગ્ર ડોડા જિલ્લામાં હાલ ચિંતા અને ભયનો માહોલ છવાયેલો છે..
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

