VIDEO: ANDAR NI VAAT/ ઓડીશાઃ ભુવનેશ્વરમાં પ્રદૂષણ સામે નવી પહેલ, રસ્તાઓ પર લગાવાયા ડસ્ટ કલેક્ટર્સ
ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં વધતા વાયુ પ્રદૂષણ અને ખાસ કરીને રસ્તાઓ પર ઉડતી ધૂળની સમસ્યાને નિયંત્રિત કરવા માટે ભુવનેશ્વર મ્યુનિસિપલ કોર્પોરેશનએ નવી પહેલ શરૂ કરી છે. નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત પાયલોટ પ્રોજેક્ટ તરીકે શહેરના મુખ્ય માર્ગો અને વ્યસ્ત ટ્રાફિક જંક્શનો પર પોલ-માઉન્ટેડ ડસ્ટ કલેક્ટર મશીનો સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. પ્રથમ તબક્કામાં અંદાજે 20 સ્થળોએ આ ડસ્ટ કલેક્ટર્સ લગાવવામાં આવ્યા છે. આ સ્થળોની પસંદગી હવાના ગુણવત્તા મોનિટરિંગના આધારે કરવામાં આવી છે, જ્યાં PM10 અને PM2.5 જેવા પ્રદૂષક કણોનું પ્રમાણ વધુ નોંધાયું હતું. ડસ્ટ કલેક્ટર હવામાં રહેલા ધૂળના સૂક્ષ્મ કણોને ખેંચીને ફિલ્ટરમાં એકત્રિત કરે છે, જેના કારણે રસ્તા પર ઉડતી ધૂળમાં ઘટાડો થાય છે અને આસપાસની હવાની ગુણવત્તા સુધારવામાં મદદ મળે છે. પીએમ ટેન અને પીએમ બે પોઈન્ટ પાંચ પ્રદૂષણમાં રહેલા સૌથી ખતરનાક કણો છે જેને આ ડસ્ટ કલેક્ટર ખેંચીને એકત્રીત કરે છે.
મ્યુનિસિપલ અધિકારીઓના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ટ્રાફિક અને બાંધકામથી સર્જાતા ધૂળ પ્રદૂષણને નિયંત્રિત કરવાનો છે, જેથી વાહનચાલકો, રાહદારીઓ અને સ્થાનિક નાગરિકોને સ્વચ્છ હવા મળી શકે. અગાઉ પણ BMC દ્વારા એન્ટી-સ્મોગ ગન, પાણીનો છંટકાવ અને અન્ય ડસ્ટ સપ્રેશન પગલાં લેવામાં આવ્યા હતા, જ્યારે હવે ડસ્ટ કલેક્ટર જેવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને લાંબા ગાળે પ્રદૂષણ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો આ પાયલોટ પ્રોજેક્ટ સફળ રહેશે તો શહેરના વધુ વિસ્તારોમાં પણ આવા ડસ્ટ કલેક્ટર્સ સ્થાપિત કરવામાં આવશે. પર્યાવરણ નિષ્ણાતોનું માનવું છે કે આવા ઉપકરણો સાથે બાંધકામ સ્થળોએ ધૂળ નિયંત્રણ, હરિયાળીનો વધારો અને વાહનોના પ્રદૂષણ પર નિયંત્રણ જેવા પગલાં પણ એટલાં જ જરૂરી છે. BMCનું માનવું છે કે ટેક્નોલોજી અને જનસહભાગિતાના સંયુક્ત પ્રયાસોથી ભુવનેશ્વરની
હવાની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો લાવી શકાય છે
બ્યુરો રિપોર્ટ જીએસટીવી

