VIDEO: ANDAR NI VAAT/ જંગલી હાથીઓનો આતંક: સરકારી શાળામાં તોડફોડ અને ઘરોને નુકસાન!
આસામના ગોલાઘાટમાં જંગલી હાથીઓના આતંકે સ્થાનિકોની ઊંઘ હરામ કરી દીધી છે. મોરંગીમાં હાથીઓએ એક સરકારી શાળામાં ઘૂસીને ભારે તોડફોડ મચાવી છે, જેના કારણે બાળકો અને વાલીઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તારોમાં પણ હાથીઓના હુમલાથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
આસામના ગોલાઘાટ જિલ્લામાં માનવ-હાથી સંઘર્ષની ઘટનાઓ સતત વધી રહી છે. તાજેતરમાં મોરંગી વિસ્તારના નુમલીગઢ પાસે આવેલી નંબર 4 રંગબંગ એલપી સ્કૂલમાં વહેલી સવારે એક જંગલી હાથીએ ધાડો પાડ્યો હતો. આ હાથીએ શાળાના કેમ્પસમાં ઘૂસીને ઓફિસના દરવાજા તોડી નાખ્યા હતા અને અંદર રહેલા કબાટ, ફર્નિચર તથા મહત્વની શૈક્ષણિક સામગ્રીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. સદ્નસીબે આ ઘટના વહેલી સવારે બની હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ શાળાની સંપત્તિને થયેલા નુકસાનથી ગ્રામીણોમાં આક્રોશ છે. આ ઘટનાને પગલે વાલીઓ એટલા ડરી ગયા છે કે તેઓએ સુરક્ષાના કારણોસર પોતાના બાળકોને શાળાએ મોકલવાનું પણ બંધ કરી દીધું છે. સમગ્ર પંથકમાં અત્યારે હાથીના હુમલાનો ભય છવાયેલો છે.
હાથીઓનો આતંક માત્ર શાળાઓ પૂરતો મર્યાદિત નથી, પરંતુ રહેણાંક વિસ્તારો અને ચાના બગીચાઓમાં પણ હાથીઓના ઝુંડ ભારે તબાહી મચાવી રહ્યા છે. મોરંગીના શ્યામરાયપુર ચાના બગીચા વિસ્તારમાં પણ હાથીઓએ આશરે ૫૦ જેટલા કાચા મકાનોને નુકસાન પહોંચાડ્યું હોવાના અહેવાલો છે. સ્થાનિક રહીશો રાતભર જાગીને મશાલો અને ફટાકડાની મદદથી હાથીઓને ભગાડવા મજબૂર બન્યા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે વન વિભાગ દ્વારા આ મામલે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. લોકોએ માંગ કરી છે કે વન વિભાગ તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં ગજા મિત્ર જેવી સુરક્ષા યોજનાઓ અમલી બનાવે અને હાથીઓને જંગલ તરફ પાછા ખસેડવાની વ્યવસ્થા કરે. જો વન વિભાગ દ્વારા જલ્દી પગલાં લેવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે.

