VIDEO: ANDAR NI VAAT/ અમરનાથ યાત્રા માટે જમ્મુમાં રજીસ્ટ્રેશન અને ટોકન વિતરણ શરૂ, નબળી વ્યવસ્થાને લઈને સવાલો ઉઠયા
અમરનાથ યાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જમ્મુમાં યાત્રાળુઓ માટે રજીસ્ટ્રેશન અને ટોકન વિતરણની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જમ્મુ પહોંચી રહ્યા છે, જેના કારણે યાત્રા પૂર્વે જ તંત્રની તૈયારીઓની કસોટી શરૂ થઈ ગઈ છે. ટોકન મેળવવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. ટોકન મળતાં જ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પશ્ચિમ બંગાળ, દિલ્હી સહિતના અનેક રાજ્યોમાંથી આવેલા ભક્તોએ જણાવ્યું કે તેઓ પ્રથમ વખત બાબા બર્ફાનીના દર્શન કરવા જઈ રહ્યા છે અને આ ક્ષણ તેમના માટે અત્યંત આનંદદાયક અને આધ્યાત્મિક અનુભૂતિ કરાવનારી છે. ટોકન હાથમાં મળતાં જ ભક્તોએ હર હર મહાદેવના જયઘોષ સાથે પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
બીજી તરફ યાત્રાના પ્રારંભિક તબક્કામાં જ વ્યવસ્થાને લઈને અનેક સવાલો પણ ઊભા થયા છે. શ્રદ્ધાળુઓએ આક્ષેપ કર્યો કે રજીસ્ટ્રેશન કેન્દ્રો પર ભારે ભીડ હોવા છતાં પૂરતી વ્યવસ્થા જોવા મળી નથી. ભીડ નિયંત્રણ માટે યોગ્ય આયોજનનો અભાવ, લાંબી રાહ જોવી પડવી અને સુરક્ષા વ્યવસ્થામાં કેટલીક ખામીઓ હોવાના કારણે ભક્તોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક શ્રદ્ધાળુઓએ પુરુષોની ભીડને નિયંત્રિત કરવા માટે મહિલા પોલીસ કર્મચારીઓને તૈનાત કરવાને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતા અને વધુ અસરકારક ક્રાઉડ મેનેજમેન્ટની માંગ કરી હતી. જોકે, તમામ મુશ્કેલીઓ વચ્ચે પણ ભક્તોમાં બાબા અમરનાથના દર્શન કરવાનો ઉત્સાહ જરા પણ ઓછો થયો નથી. યાત્રા શરૂ થાય તે પહેલાં તંત્ર તમામ વ્યવસ્થાઓને વધુ સુદ્રઢ બનાવે તેવી શ્રદ્ધાળુઓએ આશા વ્યક્ત કરી છે.
બ્યુરો રિપોર્ટ જીએસટીવી

