VIDEO : ANDARNI VAAT/ કાગળ પરના દાવા નહીં, હવે સીધું ચેકિંગ! નીચાણવાળા વિસ્તારોમાં મેયરે પોતે સંભાળ્યો મોરચો
મુંબઈમાં ચોમાસા પૂર્વેની તૈયારીઓના ભાગરૂપે બીએમસી દ્વારા નાળા સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, જે અંતર્ગત સમગ્ર મુંબઈમાં અત્યાર સુધીમાં 80 ટકા નાળા સફાઈ પૂર્ણ કરી લેવામાં આવી છે.. આ સજ્જતાની સમીક્ષા કરવા માટે બીએમસીના મેયર રીતુ તાવડેએ ચેમ્બુરના અયોધ્યા નગર અને વાશીનાકા વિસ્તારમાં ચાલી રહેલા કાર્યોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.. અયોધ્યા નગરમાં હાલ 43 ટકા કામગીરી પૂરી થઈ છે અને ચોમાસામાં લોકોને પાણી ભરાવાની સમસ્યાથી રાહત આપવા માટે નાળા તેમજ રસ્તાના વિસ્તરણનું કામ પણ પ્રગતિમાં છે.. આ જ નિરીક્ષણ દરમિયાન એક કચરાના ઢગલામાં શોર્ટ સર્કિટથી અચાનક આગ ફાટી નીકળી હતી, પરંતુ ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી હાલ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો છે.
આ સમગ્ર મોનિટરિંગ પ્રક્રિયાની અંદરની વાત એ છે કે, વહીવટીતંત્ર દર વર્ષે ચેમ્બુર અને વાશીનાકા જેવા નીચાણવાળા વિસ્તારોમાં થતા જળબંબાકારને કારણે વિપક્ષો અને જનતાના ભારે નિશાના પર રહે છે.. દર વર્ષે કાગળ પર નાળા સફાઈના દાવા થતા હોવાના આક્ષેપો વચ્ચે આ વખતે મેયર પોતે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરીને કામગીરી ચકાસી રહ્યા છે જેથી કોન્ટ્રાક્ટરોની બેદરકારી પકડી શકાય.. વળી, નાળા સફાઈ દરમિયાન જ લાગેલી આગ પાછળ અંદરખાને એવી પણ ચર્ચા છે કે પ્લાસ્ટિક અને કેમિકલ યુક્ત કચરો યોગ્ય રીતે નિકાલ કરવાના બદલે ત્યાં જ છોડી દેવાયો હતો, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો.

