VIDEO:ANDARNI VAAT/જેવર એરપોર્ટ પર ઐતિહાસિક શરૂઆત
એશિયાના સૌથી મોટા જેવર એરપોર્ટ પર સોપ્રથમ કાર્ગો ફ્લાઇટનું ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે. કાર્ગો ઓપરેશન શરુ થતા ઉત્તર ભારતની ઇકોનોમીને વેગ મળશે. કાર્ગો બાદ જેવર એરપોર્ટ પર પ્રવાસી ટર્મીનલ પણ શરુ કરવામાં આવશે
દેશના સૌપ્રથમ કાર્ગો એરપોર્ટ અને અશિયાના સૌથી મોટા એરપોર્ટ જેવર એરપોર્ટ પર પ્રથમ કાર્ગો ફ્લાઇટની શરુઆત કરવામાં આવી હતી. એર ઇન્ડિયા SATS (AISATS) ના સહયોગથી વિકસાવવામાં આવેલા આ કાર્ગો ટર્મિનલ પર પ્રથમ કાર્ગો ફ્લાઇટનું વોટર કેનનના માધ્યમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રથમ ફ્લાઇટમાં મોટી સંખ્યામાં સામાન ભરીને વિદેશ મોકલવામાં આવ્યો હતો. ચાર વર્ષ બાદ પહેલી ફ્લાઇટ ઓપરેટ થઇ ત્યારે નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટના સત્તાવાળાના ચહેરા પર ખુશી જોવા મળી હતી. નોઇડા એરપોર્ટથી હવે મોટા પ્રમાણમાં કાર્ગો ફ્લાઇટ ઓપરેટ થશે. નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ એશિયાનું સૌથી મોટું મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ અને કાર્ગો હબ છે. કાર્ગો એરપોર્ટ સંપુર્ણ ઓપરેટ થયા બાદ તે ભારતની સપ્લાય ચેઈન અને આંતરરાષ્ટ્રીય વેપારને નવો વેગ આપશે. પ્રથમ તબક્કામાં વાર્ષિક ૨.૫ લાખ મેટ્રિક ટન માલ સામાનનું સંચાલન કરવાનો પ્લાન છે. બાદમાં પરિવહનની ક્ષમતા ૭૦ લાખ મેટ્રિક ટન સુધી લઈ જવાનું લક્ષ્ય છે. અત્યાર સુધી ઉત્તર ભારતમાં કાર્ગોનું મોટા ભાગનું ઓપરેશન દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (IGI) પર થતું હતું. નોઇડા કાર્ગો એરપોર્ટ એક્ટીવ થતા IGI એરપોર્ટ પર ભારણ ઘટશે. નોઇડા એરપોર્ટની નજીક નોઇડા, ગ્રેટર નોઇડા, યમુના એક્સપ્રેસવે અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ ઓદ્યોગિક વિસ્તાર નજીક આવ્યો હોવાથી માલની હેરફેર સરળ અને ઝડપી બનશે. આ વિસ્તાર ઇલેક્ટ્રીક અને ઇલેક્ટ્રોનિક હબ તરીકે વિકસ્યો છે જેમાં સેમસંગ, ઓપ્પો અને વિવો જેવી વૈશ્વિક કંપની આવેલી છે. કાર્ગો એરપોર્ટથી તેમને સીધો ફાયદો થશે. માલસામાન ખૂબ ઓછા સમયમાં અને સસ્તા ખર્ચે ગ્લોબલ માર્કેટ સુધી પહોંચી શકશે. ઇલેક્ટ્રીક ઉદ્યોગ સાથે ટેક્સટાઇલ, ફાર્માસ્યુટિકલ, હાર્ડવેર એન્જિનિયરિંગના ઉદ્યોગ માટે પણ કાર્ગો વરદાન સાબિત થશે. ઉતર ભારતમાં ખેતી અને ડેરી ઉદ્યોગ પણ સારા એવા પ્રમાણમાં વિકસ્યો છે. આ એરપોર્ટથી ખેતીની પ્રોડકટ, શાકભાજી અને ફળના પરિવહનમાં ફાયદો થશે. સફરજન, કેરી, લીચી, બદામ, અખરોટ વગેરેને આંતરાષ્ટ્રીય બજારમાં તત્કાલ મોકલી શકાશે. કોર્ગો એરપોર્ટથી પુરક રોજગારી પણ ઉભી થશે. આમ જેવર એરપોર્ટ સંપુર્ણ કાર્યરત થતા આ વિસ્તારની કાયાપલટ થશે.
બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

