VIDEO: ઉત્તર પ્રદેશ બનશે એરપોર્ટ હબ: પીએમ મોદી ગોલ્ફ બગીમાં ટર્મિનલની મુલાકાત લઈ જેવરથી રાષ્ટ્રને આપશે નવી ભેટ
VIDEO: વડાપ્રધાન મોદી આવતીકાલે ઉત્તર પ્રદેશના જેવરમાં નવા નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઔપચારિક ઉદ્ઘઘાટન કરશે. આ અવસરે ગૌતમ બુદ્ધ નગર સહિત આસપાસના સાત જિલ્લાઓમાંથી અંદાજે બે લાખથી વધુ લોકોની જાહેર સભામાં હાજરીની અપેક્ષા છે
એરપોર્ટ પર તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. પાંચ હેલિપેડ તૈયાર કરવામાં આવ્યા છે જેમાંથી એક પર વડાપ્રધાનના આગમન માટે વાયુસેનાના એમઆઈ-17 હેલિકોપ્ટરનું સફળ લેન્ડિંગ ટ્રાયલ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના આયોજન મુજબ, વડાપ્રધાન હેલિપેડથી સીધા પેસેન્જર ટર્મિનલ બિલ્ડિંગમાં પ્રવેશ કરશે. ત્યાં તેમના સ્વાગત માટે ટૂંકો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા કલાકાર પરેશ મૈતી દ્વારા ટર્મિનલ બિલ્ડિંગની ટોચ પર સ્થાપિત 100 ફૂટ પહોળા વિશાળ ચિત્રનું અનાવરણ કરવામાં આવશે.વડાપ્રધાન ગોલ્ફ બગીમાં ટર્મિનલની મુલાકાત લેશે. ત્યારબાદ મુખ્ય પ્રવેશદ્વાર પર સ્ટેજ પર રાજ્યપાલ, મુખ્યમંત્રી અને એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ સાથે સામૂહિક ફોટો સેશન યોજાશે.
આ પછી તેઓ જાહેર સભા સ્થળે પહોંચીને વિશાળ જનસમુદાય સમક્ષ એરપોર્ટનું ઉદ્ઘઘાટન કરશે.જાહેરસભા માટે સફેદ અને કેસરી રંગોમાં શણગારેલા ત્રણ જર્મન હેંગરનો ઉપયોગ કરીને મોટો પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. બેસવાની વ્યવસ્થા માટે ખુરશીઓ અને સોફાની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્થળને ટીન બેરિકેડથી સીલ કરવામાં આવ્યું છે. બ્લોક-22માં 100 પ્રવેશદ્વારો દ્વારા કડક સુરક્ષા તપાસ પછી જ લોકોને પ્રવેશ આપવામાં આવશે.

