VIDEO: ANDAR NI VAAT/ જમ્મુ-કાશ્મીરમાં આકાશી આફત: ભારે ભૂસ્ખલનને પગલે નેશનલ હાઇવે બંધ
જમ્મુ-કાશ્મીરમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની તોફાની એન્ટ્રી સાથે જ છેલ્લા ત્રણ દિવસથી અવિરત અને અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સમગ્ર ઘાટીમાં હાહાકાર મચી ગયો છે. મુશળધાર વરસાદને પગલે પર્વતીય વિસ્તારોમાં અનેક જગ્યાએ મોટા પાયે ભૂસ્ખલન અને ફ્લેશ ફ્લડની ઘટનાઓ સામે આવી છે. ખાસ કરીને કાશ્મીરને દેશના બાકીના ભાગો સાથે જોડતો 270 કિલોમીટર લાંબો વ્યૂહાત્મક જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ રામબન જિલ્લાના મેહડ, ગંગરૂ, મોમ પાસી અને કિશ્તવારી પથ્થર પાસે ભારે ભૂસ્ખલનને કારણે વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. રસ્તાઓ પર ટનબંધ કાદવ-કીચડ, કાટમાળ અને પથ્થરો ધસી આવવાને કારણે હજારો વાહનો અને મુસાફરો રસ્તાની બંને બાજુએ અટવાઈ પડ્યા છે. આ ઉપરાંત, સતત ચાલુ વરસાદને કારણે કાદવ હટાવવાની વહીવટીતંત્રની કામગીરીમાં ભારે અવરોધ આવી રહ્યો છે.
VO2
કાશ્મીરના ડોડા જિલ્લાના ભાલેસા અને કલાલગીસર વિસ્તારમાં વાદળ ફાટવાની બે મોટી ઘટનાઓ બાદ આવેલા પૂરમાં પર્વતો પરથી મોટા પ્રમાણમાં કાદવ અને પથ્થરો રહેણાક વિસ્તારો અને રસ્તાઓ પર વહી આવ્યા છે. જેના કારણે અનેક ગામડાઓનો સંપર્ક તૂટી ગયો છે. દક્ષિણ કાશ્મીરના પહલગામના લેંગની વિસ્તારમાં અને ઉત્તર કાશ્મીરના ગુરેઝ અને તુલાઈલ જેવા ઉચ્ચ પહાડી વિસ્તારોમાં પણ સ્થાનિક નાળાઓ અને નદીઓમાં ઘોડાપૂર આવતા રસ્તાઓ ધોવાઈ ગયા છે. રસ્તાઓ પર કાદવનું સામ્રાજ્ય સ્થપાતા સ્થાનિક લોકોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા વહીવટીતંત્ર દ્વારા કિશ્તવાડ-સિન્થન નેશનલ હાઈવેને પણ સાવચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો છે.હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી તાજી આગાહી મુજબ, જમ્મુ અને કાશ્મીરમાં આગામી 6 જુલાઈ સુધી ચોમાસું સક્રિય રહેશે. હવામાન કેન્દ્ર શ્રીનગરે ચેતવણી આપી છે કે આગામી થોડા દિવસો દરમિયાન જમ્મુ ડિવિઝન, પીર પંજાલ રેન્જ અને ચેનાબ વેલીમાં વીજળીના કડાકા-ભડાકા અને તીવ્ર પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જેના કારણે હજુ પણ વધુ ભૂસ્ખલન અને માટી ધસી પડવાની આશંકા છે. તંત્ર દ્વારા સ્થાનિક નાગરિકો, પ્રવાસીઓ અને અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓને નદી-નાળાઓ તેમજ ભૂસ્ખલન સંભવિત પહાડી વિસ્તારોથી દૂર રહેવાની અને અત્યારે બિનજરૂરી મુસાફરી ટાળવાની કડક સૂચના આપવામાં આવી છે.

