VIDEO: ANDAR NI VAAT/ પશ્ચિમ બંગાળમાં આકાશી આફત! દાર્જિલિંગમાં પુલ તૂટતાં સિલિગુડી-મિરિક સંપર્ક વિહોણું !
પશ્ચિમ બંગાળમાં કલકત્તા સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં આકાશી આફત બનીને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકથી કલકત્તા શહેરમાં અવિરત પડી રહેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા અને મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. જેના લીધે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ, ઉત્તર બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં પણ પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. અહીંના પહાડી વિસ્તારોમાં થયેલા અતિ ભારે વરસાદને કારણે દૂધિયા નજીક આવેલી બાલાસન નદી ભયજનક સપાટીએ વહી રહી છે. નદીના આ ધસમસતા અને તીવ્ર પ્રવાહના કારણે સિલિગુડી અને મિરિકને જોડતો કામચલાઉ 'હ્યુમ પાઇપ પુલ' ધરાશાયી થઈ ગયો છે. આ મહત્વપૂર્ણ પુલને વ્યાપક નુકસાન થવાને કારણે બંને મોટા મથકો વચ્ચેનો વાહનવ્યવહાર અને સીધો સંપર્ક સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. પરિણામે સ્થાનિક લોકોને દૈનિક અવરજવર અને કનેક્ટિવિટીની ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે પ્રવાસીઓ પણ પહાડી રસ્તાઓ પર અટવાઈ પડ્યા છે.
આ કુદરતી હોનારત બાદ વહીવટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું છે. ઉચ્ચ સરકારી અધિકારીઓ અને એન્જિનિયરોની ટીમે બાલાસન નદી પરના ક્ષતિગ્રસ્ત હ્યુમ પાઇપ પુલની રૂબરૂ મુલાકાત લીધી હતી અને સમગ્ર પરિસ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. પૂરના પાણી ઓસર્યા બાદ કઈ રીતે પુનઃ કનેક્ટિવિટી સ્થાપિત કરવી તેનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અધિકારીઓએ સ્થાનિક નગરજનોને ખાતરી આપી છે કે નદીના પાણીનું સ્તર ઘટતાં જ યુદ્ધના ધોરણે આ કામચલાઉ પુલનું સમારકામ શરૂ કરી દેવામાં આવશે, જેથી જનજીવન વહેલી તકે પાટા પર લાવી શકાય. હવામાન વિભાગે આગામી સમયમાં પણ રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી આપી હોવાથી આપત્તિ વ્યવસ્થાપન તંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની સંભાવનાને જોતા તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
બ્યુરો રિપોર્ટ, જીએસટીવી

