Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : ANDAR NI VAAT / Landslide in Uttarakhand disrupts Kedarnath route, rivers become turbulent due to heavy rains

VIDEO: ANDAR NI VAAT / ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી કેદારનાથ રૂટ ખોરવાયો, ભારે વરસાદથી નદીઓ બની તોફાની

Timeછેલ્લું અપડેટ : 12 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દેવભૂમિ ઉત્તરાખંડમાં કુદરતનો પ્રકોપ યથાવત છે. જ્યાં મુશળધાર વરસાદ આકાશી આફત બનીને વરસ્યો છે. વરસાદના વિરામ બાદ પણ પહાડો નબળા પડવાને કારણે રુદ્રપ્રયાગ અને હરિદ્વારની આસપાસ ભૂસ્ખલનની અનેક ગંભીર ઘટનાઓ સામે આવી છે. પહાડો પરથી મસમોટા પથ્થરો અને કાદવ ધસી પડવાના કારણે મુખ્ય હાઈવે અને લિંક રોડ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. જેને પગલે હજારો વાહનચાલકો અને પ્રવાસીઓ રસ્તામાં જ અટવાઈ પડતાં ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને રુદ્રપ્રયાગ જિલ્લામાં થયેલા ભારે ભૂસ્ખલનને કારણે વિશ્વપ્રસિદ્ધ કેદારનાથ યાત્રાનો મુખ્ય રૂટ ખોરવાઈ ગયો છે. આ ગંભીર પરિસ્થિતિને જોતાં જિલ્લા આપત્તિ નિયંત્રણ ખંડ હરકતમાં આવ્યો છે અને તમામ સંવેદનશીલ સ્થળો પર સેટેલાઇટ અને ટેક્નોલોજીના માધ્યમથી સખત દેખરેખ રાખી રહ્યો છે. ભૂસ્ખલનની માહિતી મળતાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા જેસીબી મશીનો વડે રસ્તા પરથી કાટમાળ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. રુદ્રપ્રયાગના જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર નંદન સિંહ રાજવારે જણાવ્યું છે કે ભારે જહેમત બાદ બદ્રીનાથ હાઈવેને ફરીથી વાહનવ્યવહાર માટે ખોલી દેવામાં આવ્યો છે. પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ પ્રવાસીઓને અત્યંત સાવચેત રહેવાની કડક સૂચના આપવામાં આવી છે.

App Store

 

બીજી તરફ, ઉત્તરાખંડમાં થયેલા અનરાધાર વરસાદને કારણે હરિદ્વાર સહિતના વિસ્તારોમાં ગંગા અને તેની સહાયક નદીઓ તોફાની બનીને બે કાંઠે વહી રહી છે. નદીઓનું જળસ્તર જોખમી સપાટી વટાવી ચૂક્યું હોવાથી પૂરનો ખતરો મંડાતો દેખાઈ રહ્યો છે. જેને પગલે તંત્ર દ્વારા સ્થાનિક નાગરિકો અને શ્રદ્ધાળુઓને નદી કિનારાના વિસ્તારોમાં ન જવા માટે સખત સૂચના આપવામાં આવી છે. પહાડી વિસ્તારોમાં હજુ પણ ગમે ત્યારે પથ્થરો ધસી પડવાની આશંકા હોવાથી સમગ્ર રૂટ પર ભૂસ્ખલનને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રતિકૂળ હવામાન અને સતત બદલાતી સ્થિતિ વચ્ચે પણ પ્રશાસન દ્વારા હાઈવે અને સંવેદનશીલ ઝોન પર સીસીટીવી કેમેરા દ્વારા 24 કલાક સતત નજર રાખવામાં આવી રહી છે. આપત્તિ વ્યવસ્થાપનની ટીમો (SDRF) અને સ્થાનિક પોલીસ ખડેપગે તૈનાત છે, જેથી કોઈ પણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી શકાય. મુસાફરોને હવામાનની સત્તાવાર માહિતી મેળવ્યા બાદ જ પહાડી વિસ્તારોની મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ જીએસટીવી