હવે ACની જરૂર જ નથી! દીવાલ પર લગાવો આ જાદુઈ સિમેન્ટ અને ઘર બનશે શિમલા જેવું ઠંડુ!

Supercool Cement: ઉનાળાની ઋતુમાં સૂરજના આકરા તાપને કારણે ઘરની છત અને દીવાલો અગ્નિની જેમ તપવા લાગે છે. આનાથી ઘરની અંદરનું તાપમાન ખૂબ વધી જાય છે અને આપણે ACનો સહારો લેવો પડે છે. પરંતુ હવે આ સમસ્યાનો એક અત્યંત આધુનિક ઉકેલ શોધી લેવામાં આવ્યો છે. ચીનની સાઉથઈસ્ટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક એવો અનોખો સિમેન્ટ તૈયાર કર્યો છે, જે પોતાની જાતને ઠંડો રાખે છે. આ સિમેન્ટ સૂર્યના પ્રકાશ અને ગરમીને શોષતો નથી, પરંતુ તેને પાછો ધકેલી દે છે. આની મદદથી દિવસના સૌથી ગરમ સમયમાં પણ ઇમારતના તાપમાનને આશરે ૫.૪ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડી શકાય છે.
સામાન્ય રીતે આપણે ઘરોમાં જે સિમેન્ટ વાપરીએ છીએ, તે મોટા પ્રમાણમાં ગરમીને પોતાની અંદર જમા કરી લે છે. પરંતુ આ નવા 'સુપરકૂલ સિમેન્ટ'ની બનાવટ અલગ છે. વૈજ્ઞાનિકોએ તેના નાના કણોની રાસાયણિક સંરચનામાં ફેરફાર કર્યો છે. આમાં 'મેટાસરફેસ એન્જિનિયરિંગ' ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે આ સિમેન્ટ સૂર્યના 96.2 ટકા પ્રકાશને રિફ્લેક્ટ એટલે કે પાછો ફેંકી દે છે, જેથી તેની સપાટી ગરમ થતી નથી.
કોઈ પણ ઋતુમાં નહીં ઘટે આની મજબૂતી
આ સિમેન્ટને માત્ર ઠંડક આપવા માટે જ નહીં, પરંતુ મજબૂતીની બાબતમાં પણ નંબર વન બનાવવામાં આવ્યો છે. વૈજ્ઞાનિકોએ આના કેટલાય આકરા ટેસ્ટ કર્યા છે. આ સિમેન્ટ એસિડ જેવા જોખમી પ્રવાહી, અલ્ટ્રાવાયોલેટ કિરણો અને કડકડતી ઠંડીના ચક્રોને પણ સરળતાથી સહન કરી શકે છે. દબાણ, ખેંચાણ અને ઘસારાની બાબતોમાં પણ આ સામાન્ય સિમેન્ટ કરતાં ક્યાંય વધુ મજબૂત સાબિત થયો છે.
અસલી છત પર કરાયેલો ટેસ્ટ સંપૂર્ણ સફળ રહ્યો
આ રિસર્ચના લેખક ગુઓ લૂએ જણાવ્યું કે, તેમણે આ સુપરકૂલ સિમેન્ટનો ટેસ્ટ અસલી ઇમારતોની છત પર કરીને જોયો છે. બપોરના ૧ થી ૨ વાગ્યાની વચ્ચે જ્યારે બહારનું તાપમાન ૧૦૧.૧ ડિગ્રી ફેરનહીટ (૩૮.૪ ડિગ્રી સેલ્સિયસ) સુધી પહોંચી ગયું, ત્યારે આ સિમેન્ટથી બનેલી છતનું તાપમાન બાકીની વસ્તુઓ કરતાં આશરે ૯.૭૨ ડિગ્રી ફેરનહીટ ઓછું નોંધાયું હતું. આનાથી વિપરીત, આવી જ ઋતુમાં પરંપરાગત (સામાન્ય) સિમેન્ટ ૫૯ ડિગ્રી સેલ્સિયસ સુધી તપી જાય છે.
પર્યાવરણ માટે પણ છે વરદાન
આ સિમેન્ટ માત્ર ઘરોને ઠંડા જ નહીં રાખે, પરંતુ પર્યાવરણને બચાવવામાં પણ મોટી ભૂમિકા ભજવશે. મશીન લર્નિંગની મદદથી કરવામાં આવેલા મૂલ્યાંકન (અસેસમેન્ટ) પરથી જાણવા મળ્યું છે કે આ સિમેન્ટના ઉપયોગથી 'નેટ-નેગેટિવ કાર્બન એમિશન' મેળવી શકાય છે. એનો અર્થ એ કે તે હવામાંથી પ્રદૂષણ અને કાર્બનને ઓછો કરવામાં પણ મદદ કરશે.
સામાન્ય બજેટમાં પણ થઈ શકે છે ફિટ
સૌથી સારી વાત એ છે કે આ જાદુઈ સિમેન્ટ બનાવવાની પ્રક્રિયા બહુ મોંઘી નથી. તેને મોટા પાયે સરળતાથી ફેક્ટરીઓમાં બનાવી શકાય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેનો ઉપયોગ ઘરની છત, દીવાલો અને બહારના કોટિંગમાં ખૂબ જ આરામથી કરી શકાય છે. શહેરોમાં આ સિમેન્ટના ઉપયોગથી ભારે પ્રમાણમાં વીજળીની બચત થશે, કારણ કે લોકોને ઘરોમાં એર કંડિશનર (AC) ચલાવવાની જરૂરિયાત ખૂબ ઓછી પડશે.

