VIDEO: જીવો અને જીવવા દો'નું ઉત્તમ ઉદાહરણ: મુંબઈ લોકલ ટ્રેનમાં આરામથી સૂતેલા શ્વાનને જીત્યા દિલ
મુંબઈની લોકલ ટ્રેનો અહીંના લોકોની લાઇફલાઇન છે, જે દરરોજ લાખો મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે. આ ટ્રેનો શહેરના વિવિધ પરાંઓ (ઉપનગરો) ને જોડવામાં અને અસંખ્ય રહેવાસીઓની દૈનિક મુસાફરીને સરળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. લોકલ ટ્રેનોમાં મુસાફરી ક્યારેક ખૂબ જ આનંદદાયક અને યાદગાર બની જાય છે, ટ્રેનની સીટ પર એક શ્વાન (કુતરો) આરામથી ઊંઘતો જોવા મળ્યો. મુંબઈનો આ ક્યુટ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.
વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક શ્વાન લોકલ ટ્રેનના મહિલા ડબ્બાની ખાલી સીટોમાંથી એક ખૂણાની સીટ પર એકદમ શાંતિથી સૂઈ રહ્યો છે. મુસાફરોની અવરજવરથી બિલકુલ અલગ થઈને તે આરામ કરી રહ્યો હતો, જ્યારે ત્યાંથી પસાર થતી મહિલા મુસાફરો હસતાં-હસતાં ઊભી રહીને તેને વહાલથી પંપાળી રહી હતી.
યુઝર્સે આપી જોરદાર પ્રતિક્રિયાઓ
આ વીડિયોને અત્યાર સુધીમાં સેંકડો લાઈક્સ અને કમેન્ટ્સ મળી ચૂકી છે. સોશિયલ મીડિયા યુઝર્સ કમેન્ટ કરીને કહી રહ્યા છે કે આવી દયાળુતા અને સુંદર દ્રશ્યો માત્ર મુંબઈમાં જ જોવા મળી શકે છે.
એક યુઝરે લખ્યું: "ભારતીયો હંમેશાથી પ્રાણીઓ સાથે ખુશી-ખુશી રહેતા આવ્યા છે. આ દ્રશ્ય જોઈને ખૂબ જ આનંદ થયો."
બીજા યુઝરે લખ્યું: "આ 'જીવો અને જીવવા દો' ની સાચી ભારતીય ભાવનાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે."
ત્રીજા યુઝરે લખ્યું: "જો દરેક વ્યક્તિ આ રીતે દયાળુ બની જાય, તો આ દુનિયા દરેક જીવ માટે જીવવા લાયક અને ખૂબ જ સુંદર બની જશે."

