નિર્જન સ્થળે ખોરાક માટે ભટકતા પશુ-પક્ષીઓ, 12 હજાર અબોલ જીવોને એક વર્ષ સુધી જમાડ્યા!

અમદાવાદના પ્લેન ક્રેશની ઘટનાએ ફક્ત ગુજરાત કે ભારત જ નહીં, સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું હતું. ત્યારે આ સ્થળે અકાળે જીવ ગુમાવનાર લોકોના આત્માની શાંતિ માટે કલાપીનગરના એક સેવાભાવી વ્યક્તિએ પશુ-પક્ષીઓને ભોજન આપવાની શરૂઆત કરી હતી. જેને મ્યુનિ.ના સીએનસીડી વિભાગે વેગ આપ્યો અને સતત એક વર્ષ સુધી અહીં 12 હજાર જેટલા અબોલ પશુ-પક્ષીઓને ભોજન કરાવવામાં આવ્યું છે. આ કાર્ય આજે પણ ચાલુ જ છે.
નિર્જન સ્થળે ખોરાક માટે ભટકતા પશુ-પક્ષીઓ
અમદાવાદમાં એક વર્ષ પહેલાં જ્યાં પ્લેન ક્રેશ થયું હતું, તે જગ્યા માનવ વસવાટથી દૂર અને થોડી ઉજ્જડ જેવી છે. માટે અહીં વસવાટ કરતા અબોલ પશુ-પક્ષીઓને ભોજન મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે. તેમાંય પ્લેન ક્રેશની ઘટના બાદ તો અહીં વાતાવરણ સાવ સૂમસામ બની ગયું હતું.

પશુ-પક્ષીઓ અમારી રાહ જોઈને બેઠા હોય છે!
કિરણભાઈ જણાવે છે કે, સેવાનું આ કાર્ય તેમને વારસાગત મળ્યું છે. તેમના દાદી અબોલ જીવોને ખવડાવતા હતા. તેમના પિતા સાયકલ પર થેલી રાખીને અબોલ જીવોને ખોરાક આપતા હતા. હવે આ કાર્ય તેમણે આગળ વધાર્યું છે. રિક્ષા ચલાવતા વધેલી રકમમાંથી આ કાર્ય કરતા હતા. નિયત સમયે જ્યારે તેઓ સ્થળ પર પહોંચે ત્યારે પશુ-પક્ષીઓ રીતસર રાહ જોઈને બેઠા હોય છે. આજે દિવસનો 400 કિલો ખોરાક એકત્ર કરીએ છીએ.મ્યુનિ.ના ઢોર ત્રાસ અંકુશ વિભાગે તેમને સહયોગ પૂરો પાડ્યો હતો. પરિણામે આજ સુધી કિરણભાઈ દરરોજ અહીં આવીને શ્વાન, બિલાડી, ખિસકોલી, કબૂતર, મોર, પોપટ, વાંદરા, કાગડાને ભોજન આપે છે.

