Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Gujarat HC seeks reply on closure of 100-year-old Somnath road

'શું તમે હજુ રાજાશાહીમાં જીવો છો? સોમનાથનો ૧૦૦ વર્ષ જૂનો રસ્તો બંધ કરવા મામલે ગુજરાત હાઈકોર્ટે માગ્યો જવાબ

Timeછેલ્લું અપડેટ : 11 Jun 2026
લાઇવ ટીવીGoogle News
'શું તમે હજુ રાજાશાહીમાં જીવો છો? સોમનાથનો ૧૦૦ વર્ષ જૂનો રસ્તો બંધ કરવા મામલે ગુજરાત હાઈકોર્ટે માગ્યો જવાબ
સોર્સ : gstv

Somnath Temple Road Row: ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિરથી સાગર દર્શન તરફ જવાનો 100 વર્ષ જૂનો રસ્તો બંધ કરી દેવાના વિવાદિત નિર્ણયને સ્થાનિક રહીશો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. સ્થાનિક લોકો દ્વારા મુદ્દો ઉઠાવાયો હતો કે, કલેક્ટરમાં વારંવાર રજૂઆત કરવા છતાં છેલ્લા ચાર-પાંચ મહિનાથી જવાબ અપાતો નથી. જો કે, સરકારપક્ષ તરફથી રિટ અરજીમાં દર્શાવ્યા મુજબનો રોડ ખુલ્લો જ હોવાનો દાવો કરાયો હતો.

App Store

કલેક્ટરના કામ પર સવાલ

આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ નિખિલ એસ. કેરીયલે સરકાર પ્રત્યે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે સાફ શબ્દોમાં સંભળાવ્યું કે, ગમે તે કારણ હોય પરંતુ કલેક્ટરે જનતાને જવાબ આપવો જ પડે. નાગરિકોની સમસ્યાઓ કે રજૂઆતોને નજરઅંદાજ કરવાની આ આદત જરાય ચલાવી લેવાય નહીં.

કોર્ટે આકરા સવાલો પૂછતા કહ્યું કે, 'શું તમે હજુ પણ રાજાશાહીના જમાનામાં જીવો છો? આખરે કલેક્ટરનું કામ શું છે? તેઓ એવા કયા કામોમાં વ્યસ્ત હતા કે સામાન્ય લોકોની વાતનો જવાબ આપવાનો પણ તેમની પાસે સમય નહોતો?'

રોડના વીડિયો અને નકશો રજૂ કરાશે

દરમિયાન સરકારપક્ષ તરફથી હાઇકોર્ટને હૈયાધારણ અપાઈ હતી કે, તેઓ સોમનાથમાં અહિલ્યાબાઈના પૂતળાથી લઈને સાગરદર્શન સુધીના રોડના વીડિયો અને નવીનતમ નકશો કોર્ટ સમક્ષ મૂકશે. જેથી હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી તા. 22મી જૂનના રોજ મુકરર કરી હતી.

એકતરફી જોહુકમીભર્યો નિર્ણય

ગીર સોમનાથ જિલ્લામાં વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિરથી સાગર દર્શન તરફ જતો 100 વર્ષ જૂનો રસ્તો બંધ કરી દેવાના વિવાદમાં સ્થાનિકોની અનેક રજૂઆતો બાદ પણ રસ્તો નહીં ખોલાતાં કે તંત્ર તરફથી કોઈ જવાબ નહીં મળતાં આખરે સ્થાનિક લોકોએ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સ્થાનિક કલેક્ટરના બેજવાબદારીભર્યા વલણને લઈ ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી અને સરકારને રોકડું પરખાવ્યું હતું કે, મંદિર ટ્રસ્ટ પાસે રોડ બંધ કરવાનો પાવર (સત્તા) કેવી રીતે આવ્યો...? આ રીતે એકતરફી જોહુકમીભર્યો નિર્ણય લઈ શકાય નહીં. નાગરિકોએ ક્યાં અને કેમ ચાલવું તે સત્તાધીશો નક્કી કરી શકે નહીં. મંદિર ટ્રસ્ટ જિલ્લો ચલાવે છે કે કલેક્ટર...?

'આ કોઈ મિલિટરી વિસ્તાર નથી'

હાઇકોર્ટે વધુમાં ટકોર કરી હતી કે, આ કોઈ મીલીટરી વિસ્તાર નથી, લોકોની ધાર્મિક આસ્થાનું કેન્દ્ર ધરાવતું મંદિર છે. જો કલેક્ટરે રસ્તો બંધ કરવાનો નિર્ણય લીધો હોય તો કલેક્ટરને આવો પાવર કોણે આપ્યો...? કલેક્ટર સ્થાનિક લોકોની રજૂઆત પરત્વે ચાર-ચાર મહિના સુધી જવાબ આપતા નથી તે કેવી રીતે ચાલે...? વળી, 1820ના નકશામાં પણ આ રોડ દ્રશ્યમાન છે.

નાગરિકો દ્વારા આ રોડ મામલે આપેલી રજૂઆત પરત્વે ચાર મહિના સુધી કલેક્ટરે શું કર્યું તે જણાવો.. જાહેર રોડ બંધ કરવો એ પ્રથમદર્શનીય રીતે ગેરકાનૂની છે.