યુવરાજ સિંહની 6 વર્ષ બાદ IPLમાં થઈ શકે છે વાપસી, આ ટીમ સાથે જોડાશે!
ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ યુવરાજ સિંહ 6 વર્ષ પછી IPLમાં વાપસી કરી શકે છે. આ વખતે યુવી આઈપીએલમાં ખેલાડી તરીકે નહીં

ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ યુવરાજ સિંહ 6 વર્ષ પછી IPLમાં વાપસી કરી શકે છે. આ વખતે યુવી આઈપીએલમાં ખેલાડી તરીકે નહીં પરંતુ કોચ તરીકે વાપસી કરી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ ગુજરાત ટાઇટન્સના વર્તમાન કોચ આશિષ નેહરા અને ક્રિકેટ ડિરેક્ટર વિક્રમ સોલંકી મેગા ઓક્શન પહેલા ટીમથી અલગ થવાની વાત સામે આવી છે. આઇપીએલ 2022માં નેહરા અને સોલંકી ટાઇટન્સ સાથે જોડાયા હતા.
રિપોર્ટ અનુસાર, હવે મેગા ઓક્શન પહેલા ફ્રેન્ચાઇઝી મોટો નિર્ણય લેવા જઇ રહી છે. ગુજરાત ફ્રેન્ચાઇઝી યુવરાજ સિંહને ટીમના નવા કોચ બનાવવા માટે વિચારી રહી છે. આ માટે ટીમ મેનેજમેન્ટના લોકો યુવીના સંપર્કમાં છે. જો કે હજી સુધી આ બાબતે કોઈ પુષ્ટિ થઈ નથી. પરંતુ GTમાં બદલાવનો દોર ત્યારથી શરૂ થયો જ્યારથી ટીમના મેન્ટર ગેરી કર્સ્ટને તેમના પદેથી રાજીનામું આપ્યું હતું.
ગુજરાત ટાઇટન્સની અંદર ઘણા ફેરફારો શક્ય છે. આશિષ નેહરા અને વિક્રમ સોલંકી સંભવતઃ ટીમ છોડવા જઈ રહ્યા છે અને મુખ્ય કોચ પદ માટે યુવરાજ સિંહના નામ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ વર્ષે ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. હાર્દિક પંડ્યા મુંબઈ સાથે જોડાયા બાદ શુભમન ગિલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. શમી પણ આ વખતે IPL ન રમી શકતા ટીમનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. આ સિઝનમાં ગુજરાત પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને હતું.
આ સિવાય એવી અટકળો છે કે IPL 2025ની શરૂઆત પહેલા અદાણી ગ્રુપ ગુજરાત ટાઇટન્સમાં હિસ્સો ખરીદી શકે છે. કદાચ આ જ કારણે ગુજરાતની ટીમમાં ઘણા મોટા ફેરફારો થયા છે. IPLમાંથી નિવૃત્તિ લીધા બાદ યુવરાજ સિંહ કોઈપણ ટીમ સાથે સંકળાયેલો ન હોવાથી તેને ગુજરાત ટાઇટન્સના મુખ્ય કોચ બનાવવો એ ખૂબ જ આશ્ચર્યજનક નિર્ણય સાબિત થશે. યુવરાજ સિંહ છેલ્લે 2019માં આઈપીએલમાં ખેલાડી તરીકે જોવા મળ્યો હતો. જણાવી દઈએ કે જીટીનો કેપ્ટન શુભમન ગિલ પણ યુવરાજની જેમ પંજાબથી આવે છે.
યુવી છેલ્લે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ખેલાડી તરીકે રમ્યો હતો. 6 વર્ષ અગાઉ IPLમાં તેની છેલ્લી મેચ CSK સામે રમી હતી. પોતાની આઈપીએલ કારકિર્દીમાં યુવીએ 132 મેચમાં 2750 રન બનાવવા સાથે 36 વિકેટ લેવામાં પણ સફળ રહ્યો છે. આઈપીએલમાં યુવરાજસિંહ પંજાબ કિંગ્સ, પૂણે વોરિયર્સ, આરસીબી, દિલ્હી કેપિટલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી ચૂક્યો છે.








