WPL 2026 / આ દિવસે શરૂ થશે ટુર્નામેન્ટ, જાણો ક્યારે અને ક્યાં રમાશે ફાઈનલ મેચ; સામે આવ્યું મોટું અપડેટ

વિમેન્સ પ્રીમિયર લીગની ત્રણ સિઝન રમાઈ ચૂકી છે અને ચોથી સિઝન માટે મેગા ઓક્શન ચાલી રહ્યું છે. આ મેગા ઓકશનમાં 73 સ્લોટ માટે કુલ 277 ખેલાડીઓ બોલી માટે ઉતરી છે, જેમાં 194 ભારતીય અને 83 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ ઓક્શનની શરૂઆતમાં WPL 2026ની શરૂઆતની તારીખ જાહેર કરવામાં આવી છે.
WPL 2026 બે ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે
WPL 2026ની શરૂઆત 9 જાન્યુઆરીથી થશે અને 5 ફેબ્રુઆરી સુધી ચાલશે. આગામી સિઝન બે ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. જેમાં નવી મુંબઈના ડીવાય પાટિલ ક્રિકેટ સ્ટેડિયમ અને બરોડાના બરોડા ક્રિકેટ સ્ટેડિયમનો સમાવેશ થાય છે. WPL 2026ની પહેલી મેચ નવી મુંબઈ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે, જ્યારે ફાઈનલ મેચ બરોડા ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ માહિતી વિમેન્સ પ્રીમિયર લીગના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપવામાં આવી છે.
મુંબઈએ બે વાર ટાઈટલ જીત્યું છે
WPL 2026ની સિઝનમાં કુલ પાંચ ટીમો ભાગ લેશે. આમાં દિલ્હી કેપિટલ્સ, ગુજરાત જાયન્ટ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને યુપી વોરિયર્સનો સમાવેશ થાય છે. વિમેન્સ પ્રીમિયર લીગની અત્યાર સુધી ત્રણ સિઝન યોજાઈ છે, જેમાં હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપમાં મુંબઈએ બે વાર ટાઈટલ જીત્યું છે. જ્યારે સ્મૃતિ મંધાનાની કેપ્ટનશિપમાં બેંગલુરુએ એક વાર ટ્રોફી જીતી હતી.
દિલ્હીની ટીમ ત્રણ વખત WPL ફાઈનલમાં પહોંચી હતી
દિલ્હી કેપિટલ્સની ટીમ ત્રણેય WPL સિઝન (2023, 2024 અને 2025) ની ફાઈનલમાં પહોંચી હતી. જોકે, તે ત્રણેય વખત હારી ગઈ. તે બે વાર મુંબઈ સામે અને એક વાર બેંગલુરુ સામે હારી હતી, જેના કારણે તેનું ટાઈટલનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું.
WPLમાં ટીમ ઓછામાં ઓછા 15 અને વધુમાં વધુ 18 ખેલાડીઓને સ્કવોડમાં રાખી શકે છે. પરિણામે, બધી ટીમો તેમની સ્કવોડમાં ક્વોલિટી ખેલાડીઓ ઉમેરવાનો પ્રયાસ કરશે. અનેક ખેલાડીઓ માટે ટીમો વચ્ચે બિડિંગ વોર પણ જોવા મળી શકે છે.

