સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝમાં હાર મળ્યા બાદ આવ્યું શુભમન ગિલનું રિએક્શન, કહ્યું- 'અમે એકબીજા પર વિશ્વાસ...'

ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામે બે મેચની ટેસ્ટ સિરીઝમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી પહેલી ટેસ્ટમાં, ટીમ ઇન્ડિયા 30 રનથી હારી હતી, ત્યારબાદ ગુવાહાટીના બારસાપરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં 408 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ ટીમ ઈન્ડિયાની એક વર્ષમાં બીજી સિરીઝ હાર છે, 2024માં ટીમે ન્યુઝીલેન્ડ સામે ઘરેલુ મેદાન પર ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ટીમ ઈન્ડિયા તેના નબળા પ્રદર્શન માટે ટીકાઓનો સામનો કરી રહી છે, ત્યારે ટીમ ઈન્ડિયાના ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલે હવે પ્રતિક્રિયા આપી છે.
'અમે એકબીજા માટે લડીશું'
શુભમન ગિલ ગરદનના દુખાવાના કારણે કોલકાતા ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો અને ત્યારબાદ તે ગુવાહાટી ટેસ્ટ માટે ટીમમાંથી ગેરહાજર રહ્યો હતો. ટેસ્ટ સિરીઝમાં હાર બાદ, ગિલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, "શાંત સમુદ્ર તમને આગળ વધવાનું નથી શીખવતો, તે તોફાન છે જે તમને મજબૂત બનાવે છે. અમે એકબીજા પર વિશ્વાસ કરતા રહીશું, એકબીજા માટે લડતા રહીશું, આગળ વધીશું અને મજબૂત બનીશું." તમને જણાવી દઈએ કે કે સાઉથ આફ્રિકાએ 25 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાને ઘરઆંગણે ક્લીન સ્વીપ આપી છે.
ગિલ T20I સિરીઝમાં પરત ફરી શકશે
સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયા પછી, ગિલને 30 નવેમ્બરથી શરૂ થતી ત્રણ મેચની ODI સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની સ્કવોડમાં પણ સામેલ નથી કરવામાં આવ્યો. તેની ગેરહાજરીમાં, કેએલ રાહુલ ટીમની કમાન સંભાળશે. દરમિયાન, આગામી પાંચ મેચની T20I સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની સ્કવોડ હજુ સુધી જાહેર નથી કરવામાં આવી, આ સિરીઝમાં ગિલ પરત ફરશેતેવી અપેક્ષા છે. ટીમ ઈન્ડિયા હવે તેની આગામી ટેસ્ટ સિરીઝ લાંબા બ્રેક પછી રમશે.

