WPL 2025 / આજે ટાઈટલ જીતવા માટે મેદાનમાં ઉતરશે આ બે ટીમો, જાણો લાઈવ ટેલિકાસ્ટ સહિતની વિગતો
WPL 2025ની ફાઈનલ મેચ આજે એટલે કે 15 માર્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્

WPL 2025ની ફાઈનલ મેચ આજે એટલે કે 15 માર્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. મેગ લેનિંગની આગેવાની હેઠળ દિલ્હી ગ્રુપ સ્ટેજ દરમિયાન ટોપ પર રહ્યું અને સતત ત્રીજી વખત ફાઈનલ માટે ક્વોલિફાય થયું. દિલ્હીની ટીમ પહેલી બે સિઝનમાં ટ્રોફીથી માત્ર એક ડગલું દૂર રહી ગઈ હતી, પરંતુ આ વખતે ફરીથી તે ચેમ્પિયન બનવાનો પ્રયાસ કરશે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ ગ્રુપ સ્ટેજમાં બીજા સ્થાને રહી. આ પછી, એલિમિનેટર મેચમાં ગુજરાત જાયન્ટ્સને હરાવીને તેણે ફાઈનલમાં પ્રવેશ કર્યો. તે પહેલી સિઝનમાં દિલ્હીને હરાવીને ચેમ્પિયન બની છે અને હવે તે ફરીથી એ જ પરિણામનું પુનરાવર્તન કરવા માંગશે.
ફાઈનલમાં કોનો દબદબો રહેશે?
આ સિઝનમાં ગ્રુપ સ્ટેજ દરમિયાન બંને ટીમો વચ્ચે બે મેચ રમાઈ હતી. આ બંને મેચોમાં, મેગ લેનિંગની દિલ્હી હરમનપ્રીતની મુંબઈ કરતાં વધુ મજબૂત સાબિત થઈ. જ્યારે, હેડ-ટુ-હેડ રેકોર્ડમાં, દિલ્હીએ 7માંથી 4 મેચ જીતી છે અને મુંબઈએ 3 મેચ જીતી છે. જો આપણે આ રીતે જોઈએ તો, દિલ્હીનો દબદબો રહ્યો છે. આ ઉપરાંત, દિલ્હીની ટીમ આ સિઝનમાં દરેક વિભાગમાં મજબૂત દેખાઈ રહી છે. ટીમની પસંદગી પણ શાનદાર રહી છે. કેપ્ટન મેગ લેનિંગ પણ ફોર્મમાં પાછી આવી ગઈ છે. શેફાલી વર્મા અને જેસ જોનાસેન ટોપ ઓર્ડરમાં સતત રન બનાવી રહ્યા છે. જોકે, મિડલ ઓર્ડર અત્યાર સુધી નબળો દેખાતો હતો. આ સિઝનમાં નંબર 4થી 7 સુધીના બેટ્સમેનોની એવરેજ ફક્ત 17.5 રહી છે. તેમણે માત્ર 116ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે, જે ચિંતાનો વિષય છે.
બીજી બાજુ, જો આપણે મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ, તો તેનો ટોપ ઓર્ડર પણ પાવર પેકથી ભરેલો છે. ટોપ ઓર્ડરમાં, નેટ સેવીર બ્રન્ટ અને હેલી મેથ્યુઝ તેમની વિસ્ફોટક બેટિંગ માટે પ્રખ્યાત છે. આ બંનેએ આ સિઝનમાં શાનદાર બેટિંગ કરી છે. કેપ્ટન હરમનપ્રીત કૌર પાસે મેચ પૂરી કરવાની શક્તિ છે. પરંતુ પાવર પ્લે દરમિયાન વિકેટ લેવી એ દિલ્હીની તાકાત રહી છે. તેના બોલરોએ પાવરપ્લેમાં 23.84ની એવરેજથી 50 વિકેટ લીધી છે. પરંતુ મુંબઈની બોલિંગ પણ ઓછી નથી. તેણે 22.68ની એવરેજથી 61 વિકેટ લીધી છે. આ પાસાઓ જોતાં સ્પષ્ટપણે કહી શકાય કે કોઈ પણ ટીમ નબળી નથી. તેથી, બંને વચ્ચે સખત સ્પર્ધાની અપેક્ષા છે.
પ્લેઈંગ ઈલેવન શું હશે?
દિલ્હી કેપિટલ્સની ટીમ તૈયાર દેખાય છે અને તેની ટીમ તરફથી કોઈ ફેરફારની અપેક્ષા નથી. બીજી તરફ, મુંબઈ ઇન્ડિયન્સે છેલ્લા કેટલાક મેચોમાં પ્રયોગો કર્યા છે. એલિમિનેટર મેચમાં મુંબઈએ પારુનિકા સિસોદિયાના સ્થાને લેફ્ટ આર્મ સ્પિનર સાઈકા ઈશાકને તક આપી હતી. આવી સ્થિતિમાં, તે જોવાનું રહે છે કે તે ફાઈનલમાં તે જ પ્લેઈંગ ઈલેવનને મેદાનમાં ઉતારશે કે પછી પારુનિકાને ટીમમાં પાછી લાવશે.
દિલ્હી કેપિટલ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
મેગ લેનિંગ (કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, એનાબેલ સધરલેન્ડ, મારિઝાને કેપ, જેસ જોનાસેન, સારાહ બ્રાઈસ (વિકેટકીપર), નિક્કી પ્રસાદ, મિન્નુ મણિ, શિખા પાંડે, ટિટાસ સાધુ.
મુંબઈ ઈન્ડિયન્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન
હેલી મેથ્યુસ, અમેલિયા કેર, નેટ સીવર બ્રન્ટ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), અમનજોત કૌર, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), એસ સજના, જી કમલિની, સંસ્કૃતિ ગુપ્તા, શબનમ ઈસ્માઇલ, સાઈકા ઈશાક.
હવામાન કેવું રહેશે?
હવામાન વેબસાઈટ AccuWeather અનુસાર, 15 માર્ચે મુંબઈમાં હવામાન સ્વચ્છ રહેવાની ધારણા છે. વરસાદની કોઈ શક્યતા નથી. મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે, જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી ઘટી શકે છે. આનો અર્થ એ થયો કે વરસાદને કારણે મેચમાં કોઈ વિક્ષેપ નહીં આવે.
મુંબઈની પિચ કેવી હશે?
મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમની પિચ બેટિંગ માટે અનુકૂળ માનવામાં આવે છે. ફાઈનલમાં એક હાઈ સ્કોરિંગ મેચની અપેક્ષા છે. આ મેદાન પર પ્રથમ બેટિંગ કરતી ટીમોને ફાયદો મળે છે. તેથી, ફાઈનલમાં ટોસ એક મહત્ત્વપૂર્ણ પરિબળ સાબિત થઈ શકે છે. WPL 2025માં આ મેદાન પર અત્યાર સુધીમાં 3 મેચ રમાઈ છે, અને ત્રણેય મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમો જીતી છે.
પ્રાઈઝ મની કેટલી છે?
WPL 2023માં શરૂ થઈ હતી. તેની અત્યાર સુધી ફક્ત 2 સિઝન જ થઈ છે. પહેલી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે ટાઈટલ જીત્યું હતું, જ્યારે બીજી સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટાઈટલ જીત્યું હતું. આ દરમિયાન વિજેતા ટીમને 6 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, જ્યારે રનર-અપ ટીમને 3 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઓરેન્જ અને પર્પલ કેપ વિજેતાઓને 5-5 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ વખતે પણ એ જ પ્રાઈઝ મની રાખવામાં આવી છે.
મેચ ક્યારે અને ક્યાં જોવી?
દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે WPL 2025ની ફાઇનલ મેચ 15 માર્ચે સાંજે 7:00 વાગ્યે ટોસથી શરૂ થશે. પહેલી ઈનિંગ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ફેન્સ આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ટીવી પર લાઈવ જોઈ શકશે. તેનું લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઈટ પર થશે.








