2027 વર્લ્ડ કપમાં રોહિત શર્મા રમશે કે નહીં? રહાણેએ કહ્યું- ‘સ્પષ્ટતા કરો અને વિવાદ ખતમ કરો’

રોહિત શર્માના પૂર્વ સાથી અને ભારતીય ટીમના દિગ્ગજ બેટર અજિંક્ય રહાણે ઇચ્છે છે કે 'હિટમેન' 2027ના ODI વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા માટે રમે. રોહિત શર્માની નિવૃત્તિ અંગે રહાણેનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં રહાણેએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને સિલેક્ટર્સને અપીલ કરી છે કે, તેઓ સ્પષ્ટતા કરે કે રોહિત શર્મા 2027ના ODI વર્લ્ડ કપમાં રમશે. તેમનું માનવું છે કે, ક્રિકેટના મેદાન પર રોહિત શર્માનો અનુભવ ટુર્નામેન્ટ દરમિયાન ટીમ ઇન્ડિયા માટે અમૂલ્ય સાબિત થશે.
સિલેક્ટર્સ સ્પષ્ટતા આપીને વિવાદ ખતમ કરે…
રહાણેએ જણાવ્યું હતું કે, ટીમ ઈન્ડિયાને 2027ના ODI વર્લ્ડ કપ માટે રોહિત શર્માની ખૂબ જરૂર પડશે. કારણ કે તેનો બહોળો અનુભવ અને દક્ષિણ આફ્રિકાની પીચો પર પડકારજનક પરિસ્થિતિઓમાં કેવી રીતે બેટિંગ કરવી તેની સમજણ છે. રહાણેએ 2027ના ODI વર્લ્ડ કપ ટીમમાં રોહિત શર્માનું સ્થાન સુનિશ્ચિત કરવાના મહત્ત્વ પર પણ ભાર મૂક્યો હતો અને ઉમેર્યું હતું કે, સિલેક્ટર્સે દરેક પાસિંગ સીરિઝના આધારે તેનું મૂલ્યાંકન ન કરવું જોઈએ.
રોહિત શર્માની નિવૃત્તિ અંગે રહાણેનું મોટું નિવેદન!
રહાણેએ કહ્યું કે, 'મને લાગે છે કે રોહિત શર્માને એ જણાવવું જરૂરી છે કે તે 2027ના વર્લ્ડ કપમાં રમશે. જો તમે આટલા વર્ષોના તેના યોગદાન પર નજર નાખશો તો તે શાનદાર જ રહ્યું છે. તેથી 2027ના વર્લ્ડ કપ માટે તેના જેવા ખેલાડીનો અનુભવ જરૂરી છે. રોહિત શર્માની નિવૃત્તિ વિશે ચર્ચા પણ ન થવી જોઈએ. જો તમે એકવાર કહી દો 'રોહિત શર્મા, તું રમીશ' તો મામલો વિવાદ ખતમ થઈ જાય. આમ, તમે દર સીરિઝના આધારે નિર્ણયો લઈ શકતા નથી, કારણ કે તે ખૂબ જ મહાન ખેલાડી છે.'
'સિલેક્ટર્સ સ્પષ્ટતા કરી મામલો થાળે પાડે'
રહાણેએ વધુમાં જણાવ્યું હતું કે, 'સિનિયર ખેલાડીઓ સાથે આદરપૂર્વક વર્તવું જોઈએ. કારણ કે ક્રિકેટમાં સારી લય જાળવવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેથી રોહિતને એવું વાતાવરણ પૂરું પાડવું જોઈએ જે તેને યોગ્ય માનસિકતામાં રહેવા દે. તેનો અનુભવ 2027 ODI વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આમ, જો તમે કોઈ સિનિયર ખેલાડી સાથે મે કહ્યું તેમ વર્તશો. ક્રિકેટ એક લયની રમત છે. તમે કેટલી મેચ રમ્યા છો અથવા તમે યુવાન કે અનુભવી ખેલાડી છો, બધું લય પર નિર્ભર છે.'
ભારતને અનુભવી બેટરની જરૂરત
પૂર્વ ભારતીય કેપ્ટન રહાણેએ કહ્યું કે, 'જો તમારું મન શાંત અને મુક્ત હોય તો તમે તે જ માનસિકતા સાથે રમી શકો છો. રોહિતની ક્ષમતા વિશે વાત કરવાની પણ જરૂર નથી. ટીમને આવા અનુભવી બેટરની જરૂર છે, તેથી ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન વચ્ચે આ બાબતે કોઈ ચર્ચા ન થવી જોઈએ. જો રોહિત શર્મા 2027 વર્લ્ડ કપમાં રમવા માગે છે, તો તેણે ચોક્કસપણે રમવું જોઈએ.'
2026માં રોહિત શર્માનો વનડે રેકોર્ડ
વર્ષ 2026માં અત્યાર સુધીમાં રોહિત શર્માએ કુલ 8 વનડે મેચ રમી છે. જેમાં 37.50ની સરેરાશ અને 92.5ના સ્ટ્રાઇક રેટથી એક સદી સાથે 300 રન બનાવ્યા છે. લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ત્રીજી વનડેમાં ઇંગ્લેન્ડ સામે 138 રનની ઇનિંગ રમીને રોહિત પોતાના ફોર્મમાં દેખાયો હતો. 27 સપ્ટેમ્બરથી શરૂ થનારી વેસ્ટ ઇન્ડીઝ સામેની વનડે સીરિઝ માટે રોહિત શર્માને ભારતીય ટીમમાં સ્થાન મળે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે. કુલ મળીને રોહિતે 288 વનડે મેચોમાં 11,895 રન બનાવ્યા છે, જેમાં 34 સદી અને 62 અડધી સદી ફટકારી છે.

