WTC રેન્કિંગ માટે કેમ મહત્ત્વપૂર્ણ છે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની સિરીઝ? મોહમ્મદ સિરાજે જણાવ્યું કારણ

ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને વિશ્વાસ છે કે, તે શુક્રવાર (14 નવેમ્બર) થી શરૂ થઈ રહેલી બે ટેસ્ટ મેચની સિરીઝમાં ડિફેન્ડિંગ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ચેમ્પિયન સાઉથ આફ્રિકા સામે મજબૂત પ્રદર્શન કરશે.
ભારત હાલમાં WTC પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને છે. ટીમે આ ચક્રની શરૂઆતમાં ઈંગ્લેન્ડમાં પાંચ ટેસ્ટ મેચની સિરીઝ 2-2થી બરાબરી કરીને કરી હતી, આ પછી ટીમે હોમ સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝને 2-0થી હરાવ્યું હતું. બીજી તરફ, સાઉથ આફ્રિકાએ પાકિસ્તાન સામેની ટેસ્ટ સિરીઝમાં 1-1થી ડ્રો સાથે તેના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટાઈટલ ડિફેન્સ અભિયાનની શરૂઆત કરી હતી.
સિરાજે કહ્યું, "આ સિરીઝ નવા WTC ચક્ર માટે મહત્ત્વપૂર્ણ છે, ખાસ કારણ એ છે કે સાઉથ આફ્રિકા ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ભલે તેણે પાકિસ્તાન સામેની સિરીઝ 1-1થી ડ્રો કરી હોય, અમને અમારા સારા ફોર્મ પર વિશ્વાસ છે. અમે સકારાત્મક વાતાવરણ બનાવ્યું છે. અમે ઈંગ્લેન્ડમાં સારું પ્રદર્શન કર્યું અને વેસ્ટ ઈન્ડિઝ સામે જીત મેળવી છે."
સિરાજે ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું, તેણે 23 વિકેટ સાથે સિરીઝ સૌથી વધુ વિકેટ લેનાર બોલર તરીકે સમાપ્ત કરી હતી. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાનું પ્રભાવશાળી ફોર્મ ચાલુ રાખ્યું અને બે મેચમાં 10 વિકેટ લીધી હતી.
તેણે કહ્યું, "હું સારી લયમાં બોલિંગ કરી રહ્યો છું અને તેનો મહત્તમ ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. મજબૂત ટીમોનો સામનો કરવાથી એવા ક્ષેત્રોને ઓળખવામાં મદદ મળે છે જેમાં સુધારાની જરૂર છે અને હું ખરેખર આ પડકાર માટે આતુર છું."

