IND vs SA / કોલકાતા ટેસ્ટમાં ખાસ હશે ટોસ, સિક્કાની બંને બાજુ હશે આ મહાન વ્યક્તિઓના ચહેરા

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. આ ભારતનું સૌથી જૂનું ક્રિકેટ સ્ટેડિયમ છે. જોકે, છ વર્ષની લાંબી રાહ બાદ, કોલકાતામાં ટેસ્ટ ક્રિકેટ પાછું ફરી રહ્યું છે. ફેન્સ જે ક્ષણની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણનો અંત આવવાનો છે. આ દરમિયાન, મહત્ત્વપૂર્ણ માહિતી સામે આવી છે કે કોલકાતામાં રમાનારી આ ટેસ્ટ મેચમાં ટોસ પણ ખૂબ જ ખાસ રહેશે. પહેલીવાર ટોસ પર ખાસ સિક્કો ઉછાળવામાં આવશે.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સિરીઝનું નામ કોઈ ક્રિકેટરના નામ પર નહીં, પરંતુ બંને દેશોના બે મહાન વ્યક્તિત્વોના નામ પર રાખવામાં આવ્યું છે. આ સિરીઝને ગાંધી-મંડેલા ટ્રોફી તરીકે ઓળખવામાં આવે છે. આ ટ્રોફી ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સાઉથ આફ્રિકાના મહાન નેતા નેલ્સન મંડેલાના નામ અને સન્માનમાં રમાય છે. હવે, એવા અહેવાલો સામે આવ્યા છે કે કોલકાતા ટેસ્ટ દરમિયાન ઉછાળવામાં આવનાર સિક્કામાં એક તરફ મહાત્મા ગાંધી અને બીજી તરફ નેલ્સન મંડેલાનો ફોટો હશે.
એક રિપોર્ટ અનુસાર ભારત અને સાઉથ આફ્રિકા ગાંધી-મંડેલા ટ્રોફીનું ઉદ્ઘાટન બે મહાન નેતાઓના ફોટોવાળા સ્મારક સિક્કા સાથે કરવામાં આવશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન સાઉથ આફ્રિકા ભારત સામેની તેની મેચ માટે તૈયારી કરી રહ્યું છે. બંને ટીમો અને ક્રિકેટ ફેન્સમાં ઉત્સાહ છે. આ ટેસ્ટમાં બોલ ફેંકાય તે પહેલાં જ કોલકાતામાં ઈતિહાસ રચાશે, કારણ કે આ ટેસ્ટ મેચ માટે ટોસમાં એક તરફ મહાત્મા ગાંધી અને બીજી તરફ નેલ્સન મંડેલા દર્શાવતો એક ખાસ સ્મારક સિક્કો હશે. આ સ્વતંત્રતા સંગ્રામ અને સહિયારા આદર્શોથી જોડાયેલા બે રાષ્ટ્રો માટે સાચી શ્રદ્ધાંજલિ હશે.
કોલકાતાના ઈડન ગાર્ડન્સનો પણ એક ભવ્ય ઈતિહાસ છે. આ દેશનું તે સ્ટેડિયમ છે જ્યાં ભારતે સૌથી વધુ ટેસ્ટ મેચ રમી છે. આ મેદાન પર અત્યાર સુધીમાં 42 ટેસ્ટ રમાઈ ચૂકી છે. જેમાંથી ભરતીય ટીમે 13 મેચ જીતી છે.

