VIDEO: IPL 2026ની સૌથી ઘાતક ટીમ! જાણો તે કારણો જે ગુજરાત ટાઈટન્સના ફરી ચેમ્પિયન બનવાના આપે છે સંકેત
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુરૂવારે રાત્રે જે જોવા મળ્યું, તેણે બાકીની તમામ ટીમોના કેમ્પમાં ફફડાટ મચાવી દીધો છે. ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 89 રને સજ્જડ હાર આપીને માત્ર પ્લેઓફની રેસમાંથી બહાર નથી કરી, પણ પોતે IPL 2026ની ટ્રોફી જીતવા માટે સૌથી મજબૂત દાવેદાર છે તેની સાબિતી આપી દીધી છે.
આવો જાણીએ તે 4 મુખ્ય કારણો, જે આ સિઝનમાં ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવવા તરફ ઈશારો કરે છે.
શુભમન ગિલ અને સાઈ સુદર્શનની 'ક્લાસિક' ઓપનિંગ જોડી
આજના T20 ક્રિકેટમાં જ્યાં ઓપનર્સ માત્ર અડેધડ બેટ ફેરવીને રન બનાવવાનો પ્રયાસ કરે છે, ત્યાં શુભમન ગિલ અને સાઈ ક્રિકેટના ક્લાસિક શોર્ટ્સ રમીને રનનો પહાડ ઉભો કરી રહ્યા છે. સાઈ સુદર્શને આ મેચમાં સતત પાંચમી હાફ સેન્ચુરી ફટકારી છે, જે તેની ગજબની કન્સિસ્ટન્સી દર્શાવે છે. બંને વચ્ચે 12 ઓવરમાં થયેલી 125 રનની ઓપનિંગ પાર્ટનરશિપે જ CSKની હાર નક્કી કરી દીધી હતી.
જોસ બટલરનો મિડલ ઓર્ડરમાં આતંક
ગુજરાત ટાઈટન્સની સૌથી મોટી તાકાત એ છે કે જો ઓપનર્સ વિરોધી ટીમના બોલર્સને થકવી દે, તો પાછળથી જોસ બટલર પણ જોરદાર બેટિંગ કરે છે. CSK સામે બટલરે માત્ર 27 બોલમાં અણનમ 57 રન ફટકારીને સ્કોર 229 સુધી પહોંચાડ્યો હતો. વાઈડ યોર્કર બોલને પણ કવર ઉપરથી સિક્સ મારવાની બટલરની ક્ષમતા તેને ડેથ ઓવર્સમાં સૌથી ખતરનાક બેટર બનાવે છે.
'બેકબોન' જેવી ટેસ્ટ ક્લાસ બોલિંગ લાઈન-અપ
ક્રિકેટમાં એક કહેવત છે, બેટર્સ સ્પોન્સરશિપ જીતાડે છે, પણ બોલર્સ ચેમ્પિયનશિપ જીતાડે છે. ગુજરાત ટાઈટન્સ આ ફોર્મ્યુલા પર જ કામ કરે છે. તેની પાસે T20ના કહેવાતા ગલી-ક્રિકેટ એક્સપર્ટ્સ નથી, પરંતુ મોહમ્મદ સિરાજ, કગીસો રબાડા, જેસન હોલ્ડર અને રાશિદ ખાન જેવા વર્લ્ડ ક્લાસ બોલર્સ છે, જેઓ T20 માં પણ ટેસ્ટ મેચ જેવી લાઈન-લેન્થથી બોલિંગ કરે છે.
સિરાજ અને રબાડાનો પાવરપ્લેમાં કાળ
230 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈની ટીમને મોહમ્મદ સિરાજે શરૂઆતમાં જ બે મોટા ઝટકા આપ્યા હતા. સિરાજે ઘાતક આઉટ-સ્વિંગર પર સંજુ સેમસનને પહેલા જ બોલે આઉટ કર્યો અને પછી કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની મિડલ સ્ટમ્પ ઉડાવી દીધી. જ્યારે શિવમ દુબેએ 17 બોલમાં 47 રન બનાવીને થોડો પ્રતિકાર કર્યો, પરંતુ રબાડાની એક્સ્ટ્રા પેસ અને રાશિદ ખાનની ગૂગલી સામે CSKની આખી ટીમ 13.4 ઓવરમાં માત્ર 140 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

