અજીત અગરકરની વિદાય બાદ ભારતીય ટીમને મળ્યો નવો ચીફ સિલેક્ટર, સિલેક્શન કમિટીમાં નવા સભ્યનો પણ થયો ઉમેરો

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI દ્વારા સિનિયર મેન્સ સિલેક્શન કમિટીના પુનર્ગઠન અંગે સત્તાવાર મીડિયા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. અશોક મલ્હોત્રા અને જતિન પરંજપેની સદસ્યતા ધરાવતી ક્રિકેટ એડવાઈઝરી કમિટી દ્વારા હાથ ધરવામાં આવેલી પસંદગી પ્રક્રિયા બાદ પૂર્વ ભારતીય સ્પિનર રમેશ પોવારને પસંદગી સમિતિના નવા સભ્ય તરીકે નિયુક્ત કરવાની સર્વાનુમતે ભલામણ કરવામાં આવી છે. આ સાથે જ ટેસ્ટ મેચોની સીનિયોરિટીના આધારે પૂર્વ સ્પિનર પ્રજ્ઞાન ઓઝા હવે મેન્સ સિલેક્શન કમિટીના નવા ચેરપર્સન તરીકે જવાબદારી સંભાળશે.
- પ્રજ્ઞાન ઓઝા - ચેરપર્સન (ચીફ સિલેક્ટર)
- શિવ સુંદર દાસ - સભ્ય
- આરપી સિંહ - સભ્ય
- અજય રાત્રા - સભ્ય
- રમેશ પોવાર - સભ્ય
રમેશ પોવારની ક્રિકેટ અને કોચિંગ કારકિર્દી
રમેશ પોવારે ભારત તરફથી આંતરરાષ્ટ્રીય સ્તરે 2 ટેસ્ટ અને 31 ODI મેચોમાં પ્રતિનિધિત્વ કર્યું છે. ખેલાડી તરીકે નિવૃત્તિ લીધા બાદ તેઓ દેશના અગ્રણી કોચિંગ પદો પર કાર્યરત રહ્યા છે.
તેઓ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના હેડ કોચ રહી ચૂક્યા છે.
તેમના કોચિંગ હેઠળ ભારતીય મહિલા ટીમે એશિયા કપનું ટાઈટલ જીત્યું હતું અને કોમનવેલ્થ ગેમ્સમાં ઐતિહાસિક સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો.
આ ઉપરાંત તેઓ મુંબઈ અને ગુજરાતની ટીમોના હેડ કોચ તેમજ BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે બોલિંગ કોચ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
અજિત અગરકરના કાર્યકાળમાં 3 ICC ટ્રોફી અને 2 એશિયા કપ જીત્યા
BCCIના નિવેદનમાં પૂર્વ ચેરમેન અજિત અગરકરના યોગદાનની ભરપૂર પ્રશંસા કરવામાં આવી છે. જુલાઈ 2023માં ચેરમેન બન્યા બાદ અગરકરના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમે ઐતિહાસિક સફળતાઓ મેળવી હતી.
- ભારતે તેમના કાર્યકાળ દરમિયાન કુલ 3 ICC ટ્રોફી જીતી.
- ટીમ ઇન્ડિયાએ 2 એશિયા કપ ટાઈટલ પોતાના નામે કર્યા.
- એશિયન ગેમ્સમાં સતત બે ગોલ્ડ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો.








