રોહિત શર્મા મુદ્દે BCCI અને અજીત અગરકર વચ્ચે તણાવ, ચીફ સિલેક્ટર પદ છોડશે?

ટીમ ઈન્ડિયાનો ચીફ સિલેક્ટર અજીત અગરકર હાલમાં મોટા ધર્મસંકટમાં મુકાયો છે. સપ્ટેમ્બરમાં તેનો સત્તાવાર કાર્યકાળ પૂર્ણ થઈ ચૂક્યો છે, પરંતુ તેનો કોન્ટ્રેક્ટ આગળ વધારવામાં આવશે કે નહીં તે અંગે મોટો સસ્પેન્સ સર્જાયો છે. હાલના સંજોગોમાં એક તરફ અગરકરનું આત્મસન્માન અને વલણ છે, તો બીજી તરફ BCCIની જિદ્દ જોવા મળી રહી છે. આગામી વર્ષે ત્રણ દેશોમાં યોજાનારા 50ઓવરના વર્લ્ડ કપની તૈયારીઓની ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે, ત્યારે આ વિવાદથી ટીમ ઈન્ડિયાને સંભવિત નુકસાન થવાની ભીતિ છે. BCCI આજે અગરકર સાથે તેના કોન્ટ્રેક્ટ અંગે વિગતવાર ચર્ચા કરશે, જેનાથી આગામી 48 કલાકમાં સ્થિતિ સ્પષ્ટ થઈ જશે કે તે પોતાના પદ પર જળવાઈ રહેશે કે નહીં. જોકે બોર્ડ તેના કાર્યકાળના વિસ્તરણ પક્ષમાં છે પણ અગરકર તરફથી સકારાત્મક સંકેત નથી મળી રહ્યા.
અજીત અગરકરનું પદ પર બન્યા રહેવું કેમ છે અત્યંત મહત્ત્વપૂર્ણ?
આગામી વર્લ્ડ કપની પ્લાનિંગ જ્યારે ઝડપથી આગળ વધી રહી છે, ત્યારે ટીમ ઇન્ડિયા માટે અજીત અગરકરનું રહેવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. જો આ સમયે કોઈ નવો ચીફ સિલેક્ટર આવે છે, તો તેના માટે કેપ્ટન, ટીમ, હેડ કોચ અને BCCI સાથે તાલમેલ બેસાડવો અત્યંત મુશ્કેલ બની જશે. આ ઉપરાંત, નવી વ્યક્તિ માટે તાત્કાલિક ધોરણે આખી સિસ્ટમમાં ફિટ થઈને વર્લ્ડ કપની તૈયારીઓ સંભાળવી પણ મોટો પડકાર રહેશે. તેથી નવા સિલેક્ટરના આગમનથી ટીમ ઈન્ડિયાની તૈયારીઓ પર સીધી અસર પડી શકે છે.
રોહિત શર્માને લઈને અગરકર અને BCCI વચ્ચે ‘કોલ્ડ-વોર’
આ સમગ્ર વિવાદનું મુખ્ય કેન્દ્રબિંદુ પૂર્વ કેપ્ટન રોહિત શર્મા છે. સિલેક્શન કમિટી અને હેડ કોચ ગૌતમ ગંભીરની વર્લ્ડ કપની પ્લાનિંગમાં રોહિત શર્મા ફિટ નથી બેસતો. આ બંને ઈચ્છે છે કે બાકી રહેલી ODI મેચોમાં રોહિતની જગ્યાએ અન્ય કોઈ યુવા ઓપનરને તક આપવામાં આવે, જેથી તેને યોગ્ય અનુભવ મળી શકે. પરંતુ જ્યારે રોહિત શર્માને આ અંગે જાણ કરવામાં આવી, ત્યારે વિવાદ ઊભો થયો હતો. રોહિતે આ મામલે BCCIના અધિકારીઓ સાથે વાત કરી હતી, જેના પછી બોર્ડ સચિવે રોહિતનો ખુલ્લેઆમ ટેકો આપતા સ્પષ્ટ કર્યું હતું કે રોહિત સારું રમી રહ્યો છે અને જ્યાં સુધી તે સારું પ્રદર્શન કરશે ત્યાં સુધી રમતો રહેશે.’
અજીત અગરકરે પદ છોડવાના આપ્યા સંકેત
BCCIનું રોહિત શર્મા પ્રત્યેનું વલણ અજીત અગરકર સુધી પહોંચી ગયું હતું. આ જ કારણે પૂર્વ ફાસ્ટ બોલરે તાજેતરમાં યોજાયેલી ટીમ રિવ્યુ અને વર્લ્ડ કપ પ્લાનિંગ મીટિંગમાં હાજરી નહતી આપી અને તે ઓનલાઈન પણ નહોતો જોડાયો. આ ઘટના બાદ મીડિયા, પૂર્વ ક્રિકેટર્સ અને ફેન્સ વચ્ચે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે અગરકર હવે ચીફ સિલેક્ટર પદ પર રહેશે કે નહીં. રોહિત શર્મા મુદ્દે સિલેક્શન કમિટી એક તરફ અને BCCI બીજી તરફ છે. હવે અગરકર શું નિર્ણય લે છે, તે આગામી 48 કલાકમાં સ્પષ્ટ થઈ જશે.

