U19 World Cup 2026 / કોણ છે વિહાન મલ્હોત્રા? જેણે પોતાની બોલિંગથી બાંગ્લાદેશને આપી માત

શનિવારે (17 જાન્યુઆરી) ભારતીય ટીમે ICC મેન્સ અંડર-19 વર્લ્ડ કપ 2026માં બાંગ્લાદેશ સામે DLS મેથડથી 18 રનથી જીત મેળવી હતી. બુલાવાયોના ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાયેલી આ મેચમાં, ભારત ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ 238 રનમાં ઓલઆઉટ થઈ ગયું. વરસાદને કારણે મેચ ઘણી વખત રોકાઈ હતી, જેના કારણે બાંગ્લાદેશને 29 ઓવરમાં 165 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
ટાર્ગેટ ચેઝ કરતી વખતે, બાંગ્લાદેશ એક સમયે 2 વિકેટે 106 રન પર હતું. જોકે, ભારતીય બોલર્સે જોરદાર વાપસી કરી અને બાંગ્લાદેશને હરાવ્યું હતું. ભારતીય ટીમની જીતનો સ્ટાર વાઈસ-કેપ્ટન વિહાન મલ્હોત્રા હતો, જેણે 4 વિકેટ લઈને બાંગ્લાદેશની બેટિંગ લાઈન-અપને તોડી પાડી હતી.
વિહાન મલ્હોત્રાએ પહેલા કલામ સિદ્દીકી અલિન (15) ને આઉટ કર્યો. ત્યારબાદ તેણે શેખ પાવેઝ જીબોન (7 રન), સમુન બસીર રતુલ (2 રન) અને મોહમ્મદ રિઝાન હોસ્સન (15 રન) ની વિકેટ લીધી. વિહાને 4 ઓવરમાં 14 રન આપીને 'પ્લેયર ઓફ ધ મેચ' નો એવોર્ડ જીત્યો હતો.
વિહાન મલ્હોત્રા કોણ છે?
વિહાન મલ્હોત્રાએ આ મેચમાં બેટથી કંઈ ખાસ નહતું કર્યું, તેણે ફક્ત 7 રન બનાવ્યા હતા. જોકે, તેણે પોતાની સ્પિન બોલિંગથી મેચને પલટી નાખી. વિહાનનો જન્મ 1 જાન્યુઆરી, 2007ના રોજ પટિયાલામાં થયો હતો. 19 વર્ષીય આ ખેલાડી લેફટી બેટ્સમેન છે અને રાઈટ આર્મ ઓફ બ્રેક બોલિંગ કરે છે.
વિહાન મલ્હોત્રા જુનિયર ટીમ સાથે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરી ચૂક્યો છે. તે અંડર-19 એશિયા કપ 2025 અને સ્થાનિક ત્રિકોણીય સિરીઝમાં રમ્યો હતો. વિહાન અગાઉ ઓપનર હતો, પરંતુ બાદમાં ટોપ ઓર્ડરમાં વૈભવ સૂર્યવંશી અને આયુષ મ્હાત્રે માટે જગ્યા બનાવવા માટે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા લાગ્યો.
ગયા વર્ષે નવેમ્બરમાં વિહાન મલ્હોત્રાએ ભારત અંડર-19 A ટીમનું નેતૃત્વ કર્યું હતું. તે ત્રિકોણીય સિરીઝમાં, વિહાન 5 ઈનિંગ્સમાં 182 રન બનાવીને ટોપ સ્કોરર રહ્યો હતો. વિહાને પટિયાલાની ક્રિકેટ હબ એકેડેમીમાં કમલપ્રીત સંધુ પાસેથી કોચિંગ મેળવ્યું છે. તેણે પોતાની ક્રિકેટ સ્કિલ્સને નિખારવા માટે અંડર-19 કોચ હૃષિકેશ કાનિટકર અને વીવીએસ લક્ષ્મણની પણ મદદ લીધી હતી.
વિહાન મલ્હોત્રા ટીમના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ અને વિરાટ કોહલીને પોતાના રોલ મોડેલ માને છે. વિહાન માને છે કે રેડ બોલ ક્રિકેટમાં ટેકનિકલ તાકાત હોવી એ વ્હાઈટ બોલ ક્રિકેટમાં એક મોટો ફાયદો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માટેના મિની ઓક્શન દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) દ્વારા વિહાનને 30 લાખની બેઝ પ્રાઈસ પર સાઈન કરવામાં આવ્યો હતો.

