આયર્લેન્ડે ફગાવી દીધો બાંગ્લાદેશનો પ્રસ્તાવ, T20 વર્લ્ડ કપ 2026ના આયોજનને લઈને ફસાયું ICC

T20 વર્લ્ડ કપ 2026ના આયોજનને લઈને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ની મુશ્કેલીઓ વધી ગઈ છે. સુરક્ષા કારણોસર ભારતમાં રમવાનો ઈનકાર કરી રહેલા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ના એક પ્રસ્તાવને ક્રિકેટ આયર્લેન્ડે ફગાવી દેતા આખો મામલો ગુંચવાયો છે. બાંગ્લાદેશ હવે ભારતમાં રમવા તૈયાર નથી અને આયર્લેન્ડ પોતાનું ગ્રુપ બદલવા તૈયાર નથી, જેના કારણે ટુર્નામેન્ટ પર સંકટના વાદળો ઘેરાયા છે.
બાંગ્લાદેશનો 'ગ્રુપ સ્વેપ' પ્રસ્તાવ
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ICC સાથેની બેઠકમાં એક પ્રસ્તાવ મૂક્યો હતો કે બાંગ્લાદેશ અને આયર્લેન્ડ પરસ્પર પોતાના ગ્રુપ બદલી લે. બોર્ડનો તર્ક હતો કે આમ કરવાથી બાંગ્લાદેશની તમામ મેચો શ્રીલંકા શિફ્ટ થઈ જશે અને ટુર્નામેન્ટના લોજિસ્ટિક્સમાં ઓછામાં ઓછો ફેરફાર કરવો પડશે. બાંગ્લાદેશ સરકાર દ્વારા ટીમ, ફેન્સ, મીડિયા અને સપોર્ટ સ્ટાફની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે બોર્ડ ભારતમાં રમવા નથી માંગતું.
આયર્લેન્ડનો સ્પષ્ટ ઈનકાર
જોકે, ક્રિકેટ આયર્લેન્ડે બાંગ્લાદેશના ગ્રુપ બદલવાના પ્રસ્તાવને સ્પષ્ટપણે ફગાવી દીધો છે, જેનાથી BCB માટે સ્થિતિ વધુ મુશ્કેલ બની ગઈ છે. ક્રિકેટ આયર્લેન્ડે સાફ કરી દીધું છે કે તેની ટીમનું જે શેડ્યૂલ છે, તે યથાવત રહેશે. એક અધિકારીએ કહ્યું, "અમને ICC તરફથી સ્પષ્ટ આશ્વાસન મળ્યું છે કે અમે મૂળ શેડ્યૂલથી હટીશું નહીં. અમે નિશ્ચિતપણે શ્રીલંકામાં જ ગ્રુપ-સ્ટેજ રમીશું." આ નિવેદન બાંગ્લાદેશની આશાઓ પર પાણી ફેરવી દીધું છે.
ICC માટે વધી મુશ્કેલી, ટુર્નામેન્ટ પર સંકટ
હવે સ્થિતિ એવી છે કે બાંગ્લાદેશ ભારતમાં રમવા તૈયાર નથી, ICC શેડ્યૂલ બદલવા તૈયાર નથી અને આયર્લેન્ડ ગ્રુપ સ્વેપ માટે રાજી નથી. આ ગતિરોધને કારણે ટુર્નામેન્ટ પર સંશય ઘેરાયો છે. રિપોર્ટ્સ અનુસાર, ICC અન્ય વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે, પરંતુ હાલમાં કોઈ સત્તાવાર નિર્ણય નથી લેવામાં આવ્યો.
વર્લ્ડ કપના ગ્રુપ અને શેડ્યૂલ
ગ્રુપ-C: બાંગ્લાદેશને વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ, નેપાળ અને ઇટાલી સાથે રાખવામાં આવ્યું છે. બાંગ્લાદેશને ત્રણ મેચ કોલકાતા અને એક મેચ મુંબઈમાં રમવાની છે.
ગ્રુપ-B: આયર્લેન્ડને શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ઝિમ્બાબ્વે અને ઓમાન સાથે રાખવામાં આવ્યું છે. આયર્લેન્ડની તમામ ગ્રુપ મેચ શ્રીલંકાના કોલંબોમાં નિર્ધારિત છે.

