WPL 2026 / રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ લગાવ્યો જીતનો ચોગ્ગો, દિલ્હી કેપિટલ્સને 8 વિકેટથી હરાવ્યું

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ દિલ્હી કેપિટલ્સને 8 વિકેટથી હરાવીને વિમેન્સ પ્રીમિયર લીગ (WPL 2026) માં સતત ચોથી જીત નોંધાવી હતી. નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમ ખાતે પહેલા બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 166 રન બનાવ્યા હતા. તેના જવાબમાં RCBએ 10 બોલ બાકી રહેતા જીત મેળવી હતી.
દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરી હતી. ઓપનર શેફાલી વર્માએ અડધી સદી ફટકારી 62 રનની શાનદાર ઈનિંગ રમી હતી. લ્યુસી હેમિલ્ટનના ધમાકેદાર 36 રનથી દિલ્હીને 166 રનના સ્કોર સુધી પહોંચવામાં મદદ મળી.
સ્મૃતિ મંધાના ઈતિહાસ રચવાથી ચૂકી
RCBને 167 રનનો ટાર્ગેટ મળ્યો હતો. બીજી ઈનિંગમાં RCBની ઓપનર ગ્રેસ હેરિસ માત્ર એક રન બનાવીને આઉટ થઈ ગઈ, પરંતુ સ્મૃતિ મંધાનાએ 61 બોલમાં 96 રનની ઈનિંગ રમી. જો તેણે વધુ ચાર રન બનાવ્યા હોત, તો તે વિમેન્સ પ્રીમિયર લીગના ઈતિહાસમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની હોત. હાલમાં સોફી ડિવાઈન WPLમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ ધરાવે છે, તેણે ગુજરાત જાયન્ટ્સ માટે રમતી વખતે 99 રન બનાવ્યા હતા.
RCB માટે જ્યોર્જિયા વોલે અણનમ 54 રન બનાવ્યા અને સ્મૃતિ મંધાના સાથે 142 રનની પાર્ટનરશિપ કરી. અગાઉ, RCB માટે લોરેન બેલ અને સયાલી સતઘરેએ 3-3 વિકેટ લીધી હતી.
RCB પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર
RCBએ WPL 2026માં અત્યાર સુધીની તેમની ચારેય મેચ જીતી છે અને ટીમ 8 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર છે. મુંબઈ ઈન્ડિયન્સ 4 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ત્રીજા સ્થાને રહેલી ગુજરાત જાયન્ટ્સના પણ 4 પોઈન્ટ છે. યુપી વોરિયર્સના પણ ચાર પોઈન્ટ છે, તે પોઈન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને છે. દરમિયાન, દિલ્હી કેપિટલ્સે અત્યાર સુધીની તેની 4 મેચમાંથી માત્ર 1 જ જીતી છે. તેની પાસે હાલમાં ફક્ત બે પોઈન્ટ છે અને તે પોઈન્ટ્સ ટેબલમાં છેલ્લા સ્થાને છે.

