Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Who Gill blamed for the defeat against RCB

VIDEO: RCB સામે મહત્ત્વની મેચમાં કેમ ફ્લોપ રહી ગુજરાત ટાઈટન્સ? હાર બાદ શુભમન ગિલે જણાવ્યું કારણ

Timeછેલ્લું અપડેટ : 27 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

IPL 2026ના હાઈ-વોલ્ટેજ ક્વોલિફાયર-1 મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઈટન્સને એકતરફી મેચમાં હરાવીને ગર્વભેર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. લીગ સ્ટેજમાં બંને ટીમો વચ્ચે માત્ર નેટ રન રેટનો તફાવત હતો, પરંતુ આ મહત્ત્વપૂર્ણ નો'કઆઉટ મેચમાં RCBએ મેદાન પર અદ્ભુત દબદબો બતાવ્યો હતો. રજત પાટીદારની વિસ્ફોટક બેટિંગ અને બેંગલુરુના બોલર્સના કહેર સામે ગુજરાતની ટીમ પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગઈ હતી.

App Store

રજત પાટીદારનું તોફાન અને GTની નબળી ફિલ્ડિંગ

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી RCB તરફથી વેંકટેશ અય્યરે ધમાકેદાર શરૂઆત અપાવી હતી, જ્યારે વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલે 72 રનની મજબૂત ભાગીદારી કરી હતી. જોકે, જેસન હોલ્ડરે એક જ ઓવરમાં કોહલી અને પડિક્કલને આઉટ કરીને ગુજરાતની વાપસી કરાવી હતી. પરંતુ આ સમયે મેચનો અસલી ટર્નિંગ પોઈન્ટ આવ્યો જ્યારે ગુજરાતના ફિલ્ડર્સે રજત પાટીદારને માત્ર 20 રનના સ્કોર પર જીવનદાન આપ્યું. આ ભૂલ ગુજરાતને ભારે પડી અને પાટીદારે માત્ર 33 બોલમાં અણનમ 93 રન ફટકારીને RCBનો સ્કોર 254 રનના વિશાળ ટાર્ગેટ સુધી પહોંચાડી દીધો.

ગુજરાતનો ટોપ ઓર્ડર ધ્વસ્ત, તેવટિયાની લડત એળે ગઈ

255 રનના હિમાલય જેવા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની શરૂઆત દુઃસ્વપ્ન સમાન રહી હતી. ટીમે પાવરપ્લેની અંદર પ્રથમ 5 ઓવરમાં જ પોતાના ટોપ-3 બેટ્સમેનો ગુમાવી દીધા હતા. સાઈ સુદર્શન અત્યંત કમનસીબ રીતે હિટ વિકેટ આઉટ થયો હતો, જ્યારે ભુવનેશ્વર કુમારે શુભમન ગિલને સસ્તામાં આઉટ કર્યો હતો. ત્યારબાદ જોશ હેઝલવુડે જોસ બટલરની વિકેટ લીધી હતી. રસિક સલામ ડારે ડબલ વિકેટ મેડન ઓવર નાખીને ગુજરાતની કમર તોડી નાખી હતી, જેના કારણે એક સમયે GTનો સ્કોર 51/5 અને પછી 88/8 થઈ ગયો હતો. ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલા રાહુલ તેવટિયાએ શાનદાર અડધી સદી ફટકારીને સંઘર્ષ જરૂર કર્યો, પણ તે માત્ર હારનું અંતર ઓછું કરી શક્યો હતો.

હાર બાદ કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન

મેચ પૂરી થયા બાદ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે ટીમની નબળી ફિલ્ડિંગને હારનું મુખ્ય કારણ ગણાવ્યું હતું. ગિલે જણાવ્યું કે, "અમે 12મી-13મી ઓવર સુધી મેચમાં પકડ જમાવી રાખી હતી, પરંતુ અમારી ફિલ્ડિંગ તે સ્તરની નહતી. અમે મહત્ત્વના કેચ છોડ્યા અને ગ્રાઉન્ડ ફિલ્ડિંગ પણ નબળી રહી. અમે પ્રેક્ટિસમાં આ બાબતો પર કામ કરીએ છીએ, પરંતુ આજે અમારો દિવસ નહતો અને દબાણની પરિસ્થિતિમાં અમે નબળા સાબિત થયા." સાઈ સુદર્શનના આઉટ થવા પર ગિલે તેને કમનસીબ ગણાવ્યું હતું. હવે ફાઈનલમાં પહોંચવા માટે ગુજરાત ટાઈટન્સે આગામી ક્વોલિફાયર-2 મેચમાં કોઈપણ ભોગે મજબૂત વાપસી કરવી પડશે.