Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Virat Kohli has the opportunity to achieve these three milestones in 2026

વિરાટ કોહલી પાસે 2026માં 3 સિદ્ધિ હાંસલ કરવાની છે તક, આ મામલે બની શકે છે પહેલો ખેલાડી

Timeછેલ્લું અપડેટ : 02 Jan 2026
લાઇવ ટીવીGoogle News
વિરાટ કોહલી પાસે 2026માં 3 સિદ્ધિ હાંસલ કરવાની છે તક, આ મામલે બની શકે છે પહેલો ખેલાડી
સોર્સ : GSTV

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ હાલમાં 2026ની શરૂઆતમાં T20 વર્લ્ડ કપ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, આ ટુર્નામેન્ટ બાદ ટીમ ઈન્ડિયા 2027 માં ODI વર્લ્ડ કપ માટે તૈયારીઓ શરૂ કરશે. ટીમ ઈન્ડિયા આ વર્ષે ઘણી દ્વિપક્ષીય ODI સિરીઝ પણ રમશે, જેમાં ફરી એકવાર બધાનું ધ્યાન વિરાટ કોહલી અને રોહિત શર્મા પર રહેશે. 2025માં વિરાટ કોહલીનું ODIમાં ફોર્મ શાનદાર રહ્યું હતું. જેણે ઘણા નવા રેકોર્ડ બનાવ્યા હતા. 2026માં તેની પાસે ત્રણ સિદ્ધિ હાંસલ કરવાની તક હશે, જેમાં બે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સિદ્ધિઓનો સમાવેશ થાય છે.

App Store

ODIમાં 15,000 રન પૂર્ણ કરવાથી માત્ર 443 રન દૂર

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધી સચિન તેંડુલકર એકમાત્ર ખેલાડી છે જેણે ODIમાં 15,000 રનનો આંકડો હાંસલ કર્યો છે. સચિને તેની ODI કારકિર્દી દરમિયાન કુલ 452 મેચ રમી હતી, જેમાં 18,426 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી પાસે હવે ODIમાં સૌથી વધુ રન બનાવનાર વિશ્વનો બીજો ખેલાડી બનવાની તક છે, તેને ફક્ત 443 રનની જરૂર છે. કોહલીએ અત્યાર સુધીમાં 296 ODI ઈનિંગ્સમાં 14,557 રન બનાવ્યા છે. 2026માં આવનારી ODI સિરીઝને ધ્યાનમાં લેતા એવું લાગે છે કે કોહલી માટે આ કામ મુશ્કેલ નહીં હોય.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં બીજા સ્થાને પહોંચવાની તક

વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં બેટથી શાનદાર પ્રદર્શન દર્શાવ્યું છે. T20I અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી કોહલી હવે ફક્ત ODI ફોર્મેટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. 2026માં કોહલી પાસે શ્રીલંકાના ભૂતપૂર્વ ખેલાડી કુમાર સંગાકારાને પાછળ છોડીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં બીજા નંબર પર પહોંચવાની તક છે. વિરાટ કોહલીના નામે હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 27,675 રન છે અને કુમાર સંગાકારાને પાછળ છોડવા માટે તેને ફક્ત 42 વધુ રનની જરૂર છે, જે તે 11 જાન્યુઆરીથી શરૂ થતી ન્યુઝીલેન્ડ સામેની ODI સિરીઝમાં હાંસલ કરી શકે છે.

IPLમાં 9,000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બનવાની તક

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઉપરાંત વિરાટ કોહલી પાસે વિશ્વની સૌથી મોટી T20 લીગ એટલે કે IPLની 19 સિઝનમાં પણ એક મોટી સિદ્ધિ હાંસલ કરવાની તક છે. કોહલી હાલમાં IPLમાં સૌથી રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ટોપ પર છે, ત્યારે તેને આ T20 લીગમાં 9,000 રન સુધી પહોંચવા માટે ફક્ત 339 વધુ રનની જરૂર છે. આમ કરીને કોહલી IPL ઈતિહાસમાં 9,000 રન સુધી પહોંચનાર પ્રથમ ખેલાડી બનશે. અત્યાર સુધી વિરાટ કોહલી IPLમાં 259 ઈનિંગ્સમાં 8,661 રન બનાવવામાં સફળ રહ્યો છે.