શ્રેયસ અય્યરની વાપસી અંગે આવ્યું મોટું અપડેટ, મેદાન પર પરત ફરવામાં એક તારીખ બની શકે છે અવરોધ!

ભારતીય ODI વાઈસ-કેપ્ટન શ્રેયસ અય્યરને ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઈજા થઈ હતી. તેની ઈજા ગંભીર હતી અને તેને ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારથી બધા અય્યરના વાપસી પર નજર રાખી રહ્યા છે. હવે તેની ઈજા અને વાપસી અંગે એક મોટી અપડેટ આવી છે. ન્યુઝીલેન્ડ સામેની ODI સિરીઝ થોડા દિવસોમાં શરૂ થવાની છે, અને તે પહેલા અય્યરની ફિટનેસ ચર્ચાનો વિષય છે.
એક અહેવાલ મુજબ અય્યર હવે પરીક્ષણમાંથી પસાર થશે જેમાં મેચ જેવી પરિસ્થિતિઓનું અનુકરણ કરવામાં આવશે. આ પછી જ ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં તેની ભાગીદારી અંગે નિર્ણય લેવામાં આવશે.
અય્યર સુધારો દર્શાવે છે
અય્યર હાલમાં બેંગલુરુમાં BCCI સેન્ટર ઓફ એક્સેલન્સમાં છે. તે 25 ડિસેમ્બર, 2025થી તેની રિકવરીના અંતિમ તબક્કામાં છે. આ સમય દરમિયાન, તેણે તેની સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગમાં ઘણો સુધારો દર્શાવ્યો છે. તેણે બેટિંગ અને ફિલ્ડિંગના હાઈ ઇન્ટેન્સિટી સેશનમાં સારું પ્રદર્શન કર્યું છે. અય્યરને બે મેચના સેશનમાં રાખવામાં આવ્યો છે, જેમાં પહેલી મેચ આજે 2 જાન્યુઆરીએ અને બીજી 5 જાન્યુઆરીએ રમાશે. જો તે બંને સેશમાંન કોઈપણ સમસ્યા વિના રમશે તો જ તેને પરત ફરવાની મંજૂરી મળશે.
આ બાબતે મૂંઝવણ
મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો, BCCI 3 જાન્યુઆરીએ ન્યુઝીલેન્ડ સામેની ODI સિરીઝ માટે ટીમની જાહેરાત કરે તેવી અપેક્ષા છે. અય્યર ટીમમાં સ્થાન મેળવી શકશે કે નહીં તે સ્પષ્ટ નથી, કારણ કે તેનું બીજું સેશન 5 જાન્યુઆરીએ યોજાવાનું છે. આ અંગે મૂંઝવણ છે. આવી સ્થિતિમાં સમય તેની વાપસીમાં અવરોધ લાવી શકે છે.
અય્યર આ ઈજાને કારણે સાઉથ આફ્રિકા સામેની ODI સિરીઝ ચૂકી ગયો હતો. ઓસ્ટ્રેલિયા પ્રવાસની છેલ્લી ODIમાં તેને ઈજા થઈ હતી. ત્રીજી મેચમાં તે એલેક્સ કેરીનો કેચ લેતી વખતે પડી ગયો હતો, જેના કારણે તેની પાંસળીઓમાં આંતરિક રક્તસ્ત્રાવ થયો હતો, જેના કારણે તેની હાલત ઘણી ખરાબ થઈ ગઈ હતી.

