ભારતીય સ્કવોડમાં સામેલ થતા જ વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, તૂટી શકે છે સચિન તેંડુલકરનો વર્ષો જૂનો રેકોર્ડ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતની T20I ટીમની જાહેરાત કરવામાં આવી છે. અપેક્ષા પ્રમાણે જ તાજેતરમાં IPLમાં પોતાના બેટથી ધમાકો કરનાર 15 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. આ ઉપરાંત આગામી એશિયન ગેમ્સની ટીમમાં પણ વૈભવને સામેલ કરવામાં આવ્યો છે. છેલ્લા બે વર્ષથી ઘરેલુ ક્રિકેટ અને IPLમાં વૈભવે જે પ્રકારની વિસ્ફોટક બેટિંગ બતાવી છે, તેને જોતા પસંદગીકારો તેના પર સતત નજર રાખી રહ્યા હતા.
IPL 2026માં ઓરેન્જ કેપ જીતીને મચાવ્યો હંગામો
વૈભવ સૂર્યવંશીએ ગયા વર્ષે પોતાનું IPL ડેબ્યુ કર્યું હતું, જ્યાં તેણે માત્ર 7 મેચોમાં 252 રન બનાવ્યા હતા. તાજેતરમાં રમાયેલી IPL 2026ની સિઝનમાં તેણે કમાલનું પ્રદર્શન કરતા 14 મેચોમાં 776 રન ફટકાર્યા હતા. તે આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યો હતો અને તેણે ઓરેન્જ કેપ પણ પોતાના નામે કરી હતી. આ સિઝન દરમિયાન તેના બેટમાંથી 1 સદી અને 5 અડધી સદી નીકળી હતી, જેમાં તેનો સ્ટ્રાઈક રેટ 237.31નો રહ્યો હતો. વૈભવે જસપ્રિત બુમરાહ, જોશ હેઝલવુડ અને પેટ કમિન્સ જેવા વિશ્વના દિગ્ગજ બોલર્સ સામે પણ નીડર થઈને રન બનાવ્યા હતા.
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો રેકોર્ડ જોખમમાં!
વૈભવ સૂર્યવંશીને શ્રેયસ અય્યરની કપ્તાનીવાળી ભારતીય ટીમમાં જગ્યા મળી છે. જો આ પ્રવાસ દરમિયાન વૈભવને પ્લેઈંગ ઈલેવનમાં રમવાની તક મળશે, તો તે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરનો ભારત માટે સૌથી નાની ઉંમરે ઈન્ટરનેશનલ ડેબ્યુ કરવાનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખશે. સચિન તેંડુલકરે 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે પાકિસ્તાન સામે ડેબ્યુ કર્યું હતું, જ્યારે વૈભવની ઉંમર અત્યારે માત્ર 15 વર્ષ અને 71 દિવસ છે.
જો કે ભારતીય ટીમમાં પહેલાથી જ અભિષેક શર્મા અને સંજુ સેમસન જેવા અનુભવી ઓપનર હોવાના કારણે કેપ્ટન શ્રેયસ અય્યર તેને કઈ મેચમાં મોકો આપે છે તે જોવું રસપ્રદ રહેશે.

