ઉર્વીલે એક અઠવાડિયામાં જ ફટકારી બીજી સદી, ઈન્દોરમાં કર્યો ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ
સૈયદ મુશ્તાક અલી T20 ટૂર્નામેન્ટમાં ઉર્વીલ પટેલ તોફાની બેટિંગ કરી રહ્યો છે. ગુજરાતના આ બેટ્સમેને આજે (3 ડિ

સૈયદ મુશ્તાક અલી T20 ટૂર્નામેન્ટમાં ઉર્વીલ પટેલ તોફાની બેટિંગ કરી રહ્યો છે. ગુજરાતના આ બેટ્સમેને આજે (3 ડિસેમ્બર) ઈન્દોરમાં ઉત્તરાખંડ સામેની મેચમાં 36 બોલમાં સદી ફટકારી હતી. થોડા દિવસો પહેલા ઉર્વીલે સૌથી ઝડપી T20 સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બનીને ઈતિહાસ રચ્યો હતો. હવે ઉત્તરાખંડ સામે, તેણે 41 બોલમાં 115 રનની અણનમ ઈનિંગ રમી અને ગુજરાતને આઠ વિકેટે જીત અપાવવામાં મદદ કરી હતી. 115ના સ્કોર સાથે, ઉર્વીલે T20માં ગુજરાતના બેટ્સમેન દ્વારા સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો. આ પહેલા ઉર્વીલે 113 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો: દુનિયાના સૌથી ધનિક ક્રિકેટરે 22 વર્ષની ઉંમરે કર્યું હતું અલવિદા, ભારતીય ટીમ માટે ન રમી શક્યાનો અફસોસ
પ્રથમ બેટિંગ કરતા ઉત્તરાખંડે 186 રનનો પડકારજનક ટાર્ગેટ આપ્યો હતો. આ પછી ઉર્વીલ અને આર્ય દેસાઈએ ગુજરાતને શાનદાર શરૂઆત અપાવી હતી. દેસાઈ 13 બોલમાં 23 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ઉર્વીલે રન ચેઝની જવાબદારી લીધી. તેણે અભિષેક દેસાઈ અને કેપ્ટન અક્ષર પટેલ સાથે પાર્ટનરશિપ કરી હતી. ગુજરાતના કેપ્ટને 18 બોલમાં 28 રન બનાવ્યા અને શતકવીર ઉર્વીલ સાથે ટીમ માટે મેચ પુરી કરી. એક અઠવાડિયાના ગાળામાં, ઉર્વીલે ભારતીય બેટ્સમેન દ્વારા ચાર સૌથી ઝડપી T20 સદીઓમાંથી બે સદી ફટકારી છે.
ઉર્વિલે 28 બોલમાં સદી ફટકારી હતી
સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટમાં ઉર્વીલનું ફ્રોમ શાનદાર રહ્યું છે. છતાં, તે IPL 2025ની મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો. ઉર્વીલ પટેલે 27 નવેમ્બરે ઈન્દોરમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ત્રિપુરા સામે 28 બોલમાં સદી ફટકારીને હેડલાઈન્સ બનાવી હતી. તેણે 2018માં રિષભ પંતનો 32 બોલનો રેકોર્ડ તોડ્યો હતો. ઉર્વીલ માત્ર 35 બોલમાં સાત ચોગ્ગા અને 12 છગ્ગાની મદદથી 113 રન બનાવીને અણનમ રહ્યો, જેના કારણે ગુજરાતની ટીમ 58 બોલ બાકી રહેતા 156 રન ચેઝ કરી શકી હતી. તેની આ સદી વૈશ્વિક સ્તરે બીજી સૌથી ઝડપી T20 સદી પણ છે. આ યાદીમાં સૌથી ઉપર એસ્ટોનિયાનો સાહિલ ચૌહાણ છે, જેણે 27 બોલમાં સદી ફટકારી હતી.
IPL મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો
મહેસાણા, બરોડાના રહેવાસી ઉર્વીલે 2018માં મુંબઈ સામેની T20 મેચમાં બરોડા માટે ડેબ્યુ કર્યું હતું. તેણે તે જ વર્ષે લિસ્ટ A ક્રિકેટમાં પણ ડેબ્યુ કર્યું હતું, પરંતુ તેને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવામાં છ વર્ષ લાગ્યા હતા. તેણે રણજી ટ્રોફીની છેલ્લી એડિશનમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. ગુજરાત ટાઈટન્સે 2023ની સિઝન માટે ઉર્વીલને 20 લાખ રૂપિયામાં સાઈન કર્યો હતો, પરંતુ તેને એક પણ મેચમાં રમવાની તક નહોતી મળી. ટાઈટન્સ દ્વારા રિલીઝ થયા પછી, આગામી IPL માટે ઉર્વીલને કોઈપણ ટીમે ખરીદ્યો ન હતો. 44 T20 મેચોમાં તેણે 23.52ની એવરેજ અને 164.11ના સ્ટ્રાઈક રેટથી 988 રન બનાવ્યા છે.






