Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Two star batsmen of Team India are helpless against this one bowler

VIDEO: IND vs ENG/ આ એક જ બોલર સામે લાચાર છે ટીમ ઈન્ડિયાના બે સ્ટાર બેટ્સમેન, ક્રિઝ પર આવતા જ બની જાય છે શિકાર!

Timeછેલ્લું અપડેટ : 02 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચેસ્ટર-લે-સ્ટ્રીટમાં રમાયેલી પ્રથમ ટી20 ઇન્ટરનેશનલ મેચ ભલે વરસાદના કારણે ધોવાઈ ગઈ હોય, પરંતુ આ મેચે ટીમ ઈન્ડિયાના બે સ્ટાર બેટ્સમેનો માટે એક મોટો ખતરો ચોક્કસપણે જાહેર કરી દીધો છે. ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર સાકિબ મહમૂદે ઘાતક બોલિંગ કરતા પોતાની 4 ઓવરમાં 33 રન આપીને 3 મહત્વની વિકેટો ઝડપી હતી. આ મેચ દરમિયાન સાકિબ મહમૂદે સંજુ સેમસન અને તિલક વર્માને પોતાના શિકાર બનાવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે, ટી20 ક્રિકેટમાં આ બંને બેટ્સમેનો સામે સાકિબ મહમૂદનો રેકોર્ડ એટલો હેરાન કરનારો છે કે એવું કહી શકાય કે આ બંને બેટ્સમેન ક્રિઝ પર આવતાની સાથે જ તેની સામે આત્મસમર્પણ કરી દે છે.

App Store

સંજુ સેમસન પર ફરી ભારે પડ્યો સાકિબ મહમૂદ

ભારતીય વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસન માટે સાકિબ મહમૂદ એક એવો કોયડો બની ગયો છે જેને તે ઉકેલી શકતો નથી. આ પ્રથમ ટી20 મેચમાં પણ મહમૂદે બીજી જ ઓવરમાં સેમસનને માત્ર 1 રનના વ્યક્તિગત સ્કોર પર પેવેલિયન ભેગો કરી દીધો હતો. ખાસ વાત એ છે કે ટી20 ક્રિકેટમાં આ બંને ખેલાડીઓ બીજી વખત સામસામે હતા અને બંને વખત સાકિબે સંજુને આઉટ કર્યો છે. આ દરમિયાન સંજુએ સાકિબ મહમૂદના 5 બોલ રમ્યા છે અને એક પણ રન બનાવ્યા વગર બંને વખત પોતાની વિકેટ ગુમાવી છે.

તિલક વર્માને 3 બોલમાં 2 વખત આઉટ કર્યો

સેમસન કરતાં પણ વધુ ખરાબ સ્થિતિ યુવા બેટ્સમેન તિલક વર્માની છે. તિલક વર્મા પણ સાકિબ મહમૂદ સામે તદ્દન લાચાર નજરે પડે છે. પ્રથમ ટી20 મેચમાં તિલક 12 બોલમાં 13 રન બનાવીને રમી રહ્યો હતો, ત્યારે જ મહમૂદે તેને પોતાની જાળમાં ફસાવીને આઉટ કર્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે તિલક વર્માએ ટી20માં સાકિબ મહમૂદ સામે માત્ર 3 બોલનો સામનો કર્યો છે, જેમાં તે માત્ર 1 રન બનાવી શક્યો છે અને 2 વખત આઉટ થયો છે. એટલે કે મહમૂદનો દરેક બીજો બોલ તિલક માટે કાળ સાબિત થાય છે.

વરસાદના કારણે પ્રથમ મેચ ધોવાઈ

મેચની વાત કરીએ તો, ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 189 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. જેમાં શ્રેયસ અય્યરે 68 રન, અભિષેક શર્માએ 59 રન અને છેલ્લી ઓવરોમાં શિવમ દુબેની 21 બોલમાં 42 રનની અણનમ તોફાની ઇનિંગ સામેલ હતી. પરંતુ ભારતીય ઇનિંગ્સ પૂરી થતાં જ જોરદાર વરસાદ શરૂ થઈ ગયો હતો, જેના કારણે ઇંગ્લેન્ડની ટીમ ટાર્ગેટનો પીછો કરવા મેદાન પર જ ઉતરી શકી નહોતી અને મેચને 'નો રિઝલ્ટ' (રદ) જાહેર કરવી પડી હતી. હવે શ્રેણીની બીજી મેચ 4 જુલાઈએ રમાશે, જ્યાં ભારતીય બેટ્સમેનોએ સાકિબ મહમૂદનો સામનો કરવાનો રસ્તો શોધવો પડશે.