રાજસ્થાનના ખેલાડીએ ગળામાં પહેર્યું Q Collar, જાણો આ નવા ડિવાઈસ વિશે
વર્તમાન સમયમાં વિશ્વભરની સાથે સાથે રમત-ગમતના મેદાનમાં પણ અવનવી ટેકનોલોજી અને ગેજેટનો ઉપયોગ જોવા મળતો હોય છે. ગત વ

વર્તમાન સમયમાં વિશ્વભરની સાથે સાથે રમત-ગમતના મેદાનમાં પણ અવનવી ટેકનોલોજી અને ગેજેટનો ઉપયોગ જોવા મળતો હોય છે. ગત વર્ષે વર્લ્ડકપની મેચોમાં ઘણા ખેલાડીઓના હાથમાં વ્હૂપ બેન્ડ (Whoop Band) જોવા મળ્યા હતા. ત્યારે ઈન્ડિયન પ્રિમીયર લીગ (IPL-2024)માં તાજેતરમાં જ એક નવું ગેજેટે દેખાતા ક્રિકેટ રસિયાઓમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આઈપીએલની એક મેચમાં રાજસ્થાન રોયલ્સનો વિકેટકીપર ટૉમ કોહલર-કૈડમોર એક ખાસ ડિવાઈસ પહેરેલો જોવા મળ્યો હતો. તેણે ગળામાં ડિવાઈસ પહેરેલું હતું.
બ્રેઈનની ઈજાથી બચાવે છે Q Collar
કૈડમોરે જે ડિવાઈસ પહેર્યું હતું, તેનું નામ Q Collar છે. આ ગેજેટ ખેલાડીઓને બ્રેઈનની ઈજાથી બચાવે છે. એવું નથી કે, કૈડમોરે પહેલીવાર આ ગેજેટનો ઉપયોગ કર્યો છે. તેણે ગત વર્ષે 17 ઓગસ્ટે આ ડિવાઈસ પહેર્યું હતું. ત્યારે આ ગેજેટ પર સૌકોઈનું ધ્યાન પડ્યું હતું.
Q Collar ખાસિયત
કોઈપણ વ્યક્તિની બ્રેઈન સુરક્ષાને ધ્યાને રાખી Q Collar ગેજેટ બનાવાયું છે. આ એક પ્રોટેક્ટિવ ડિવાઈસ છે અને તેનાથી મગજને ઈજા થવાનું જોખમ ઘટે છે. સામાન્ય રીતે ક્રિકેટ અથવા અન્ય સ્પોર્ટ્સ રમતી વખતે માથામાં ઈજા થવાની સંભાવના વધુ હોય છે, તેથી ક્યૂ કોલર તે ઈજાની અસર ઓછામાં ઓછી થવા દે છે.
ક્યૂ કોલર ગળાની નસો પર આંશિક દબાણ કરે છે, જેના કારણે મગજમાં લોહીનું પ્રમાણ વધી જાય છે. તેનાથી મગજ સ્થિર રહે છે. જ્યારે માથામાં ઈજા થાય ત્યારે બ્રેઈનની હલનચલનના કારણે જ બ્રેઈન ઈન્જરી થાય છે, તેથી આ કોલરથી ઈજા વખતે મગજની હલનચલન ઓછી થાય છે. આ ડિવાઈસ બ્લડ વોલ્યૂમનો વધારો કરીને મગજને ઇજા થવાની શક્યતા ઘટાડે છે.






