T20 વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ ન્યુઝીલેન્ડની ત્રણ દિગ્ગજ ખેલાડીઓએ લીધી નિવૃત્તિ, ફેન્સે આપી ભાવુક વિદાય

મહિલા T20 વર્લ્ડ કપ 2026માં ન્યુઝીલેન્ડની સફરનો અંત આવ્યો છે. ટુર્નામેન્ટમાં કિવીઓનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું, અને તેઓ સેમીફાઈનલ પહોંચવામાં નિષ્ફળ રહ્યા હતા. મહિલા T20 વર્લ્ડ કપમાં તેની અંતિમ ગ્રુપ સ્ટેજ મેચ ઈંગ્લેન્ડ સામે હતી. ઈંગ્લેન્ડે મેચ 9 વિકેટથી જીતી હતી. ટુર્નામેન્ટમાંથી ન્યુઝીલેન્ડના બહાર થયા બાદ, ત્રણ દિગ્ગજ મહિલા ક્રિકેટર્સે તેમની નિવૃત્તિની જાહેરાત કરી છે. ફેન્સ અને સાથી ક્રિકેટર્સે તેમને ઉભા થઈને તાળીઓ પાડી અને વિદાય આપી.
ન્યુઝીલેન્ડની ત્રણ ક્રિકેટરોની નિવૃત્તિ
સુઝી બેટ્સ, સોફી ડિવાઇન અને લીઆ તાહુહુએ અગાઉ મહિલા T20 વર્લ્ડ કપ 2026 પછી નિવૃત્તિની જાહેરાત કરી હતી. 2026 વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ મહિલા ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું, ટુર્નામેન્ટનો અંત ઈંગ્લેન્ડ સામે હાર સાથે થયો. આ સાથે ત્રણેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકી છે. મેચ પછી ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે બાઉન્ડ્રી પાસે ગાર્ડ ઓફ ઓનર સાથે ત્રણેયને વિદાય આપી.ફેન્સે પણ ઉભા થઈને તાળીઓ પાડી.
ન્યુઝીલેન્ડની ત્રણ સૌથી સફળ ખેલાડીઓની નિવૃત્તિ
ન્યુઝીલેન્ડના મહિલા ક્રિકેટ ઈતિહાસમાં ત્રણ સૌથી સફળ ખેલાડીઓ નિવૃત્તિ લઈ ચૂકી છે. સુઝી બટ્સ ન્યુઝીલેન્ડની સૌથી વધુ રન બનાવનારી ખેલાડી છે. તેણે કિવી ટીમ માટે કુલ 370 મેચ રમી, જેમાં 10,566 રન બનાવ્યા અને 145 વિકેટ લીધી છે, જેમાં ODI અને T20Iનો સમાવેશ થાય છે.
સોફી ડિવાઈને 317 મેચ (ODI + T20I) રમી, 8,096 રન બનાવ્યા અને 227 વિકેટ લીધી. લીઆ તાહુહુ ન્યુઝીલેન્ડની મહિલા ટીમની સૌથી સફળ બોલર હતી, જેણે 207 ODI અને T20Iમાં 225 વિકેટ લીધી છે. ન્યુઝીલેન્ડની મહિલા ટીમને સોફી, સુઝી અને તાહુહુની ખોટ સાલશે. તમને જણાવી દઈએ કે તે હવે ન્યુઝીલેન્ડ ટીમની જર્સીમાં જોવા મળશે નહીં પરંતુ ફ્રેન્ચાઇઝી ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે.

