લાંબી કૂદમાં અંસી સોજને રચ્યો ઇતિહાસ, અંજુ બોબી જ્યોર્જનો તોડ્યો 22 વર્ષ જૂનો નેશનલ રેકોર્ડ

કેરળની લોંગ જમ્પ (લાંબી કૂદ) ખેલાડી એન્સી સોજને રાષ્ટ્રીય આંતર પ્રાંત ચેમ્પિયનશિપમાં શનિવારે લોંગ જમ્પમાં અંજુ બોબી જ્યોર્જનો 22 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 25 વર્ષની એન્સીએ 6.88 મીટર લાંબી કૂદ લગાવીને ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા અંજુના 6.83 મીટરના રેકોર્ડને ધ્વસ્ત કરી દીધો છે.
અંજુ બોબી જ્યોર્જે આ રેકોર્ડ વર્ષ 2004ના એથેન્સ ઓલિમ્પિક દરમિયાન બનાવ્યો હતો. એન્સીએ ભારતીય એથ્લેટિક્સ મહાસંઘ (AFI) દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા એશિયન ગેમ્સના 6.48 મીટરના ક્વોલિફાઇંગ માર્કને પણ સરળતાથી પાર કરી લીધો છે. તે અગાઉ આ જ સીઝનમાં 6.75 મીટરની કૂદ લગાવનારી બીજી એશિયન ખેલાડી બની હતી, જે તેનો અત્યાર સુધીનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ દેખાવ હતો.
આ સ્પર્ધામાં ઉત્તર પ્રદેશની શૈલી સિંહ 6.67 મીટર સાથે બીજા સ્થાને અને લક્ષદ્વીપની મુબાસિના મોહમ્મદ 6.53 મીટર સાથે ત્રીજા સ્થાને રહી હતી. બીજી તરફ, અન્ય એક ઇવેન્ટમાં મહારાષ્ટ્રના સર્વેશ કુશારેએ પુરુષોની હાઈ જમ્પ (ઊંચી કૂદ) માં 2.31 મીટરનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે.
અધિકારીઓની ભૂલના કારણે હર્ષિતાએ એકલા ફરીથી દોડવું પડ્યું
આ જ પ્રતિયોગિતામાં તમિલનાડુની આર. હર્ષિતાને મહિલાઓની 400 મીટર હર્ડલ્સ (બાધા દોડ)માં એકલા ફરીથી દોડવાની ફરજ પડી હતી. રેસ અધિકારીઓની એક મોટી ભૂલના કારણે હર્ષિતાની રેસ લેનમાં જરૂરી 10 બાધાઓને બદલે માત્ર 9 બાધાઓના જ પોલ મૂકવામાં આવ્યા હતા. આ ખામીના કારણે હર્ષિતાએ આખી રેસ ફરીથી દોડવી પડી અને થાક તથા માનસિક દબાણના કારણે આખરે તે આ સ્પર્ધાના ફાઇનલ માટે ક્વોલિફાય કરી શકી નહીં.

