Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Three catches in 3 finals that made team India world champions

Catches Win Finals / કપિલ દેવ, સૂર્યકુમાર યાદવ અને અમનજોત કૌર... ટીમ ઈન્ડિયાની જીત અને ત્રણ કેચની કહાની

Timeછેલ્લું અપડેટ : 03 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Catches Win Finals / કપિલ દેવ, સૂર્યકુમાર યાદવ અને અમનજોત કૌર... ટીમ ઈન્ડિયાની જીત અને ત્રણ કેચની કહાની
સોર્સ : GSTV

અત્યાર સુધીમાં, તમે સાંભળ્યું હશે કે 'Catches Win Matches' પરંતુ ટીમ ઈન્ડિયાની વાર્તા થોડી અલગ છે. આ ટીમ કેચ સાથે માત્ર મેચ જ નહીં પરંતુ ટ્રોફી જીતે છે. મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં, ભારતની દીકરીઓએ ફરી એકવાર આ સાબિત કર્યું. ભારતીય વિમેન્સ ટીમે પણ એ સાબિત થયું કે ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાની ફિલ્ડિંગ અસાધારણ હોય છે. અહીં કેચ ટ્રોફી ઉપાડવા માટે ઝડપવામાં આવે છે. તો ચાલો અમે તમને 1983ની ફાઈનલથી આજ સુધીની કહાની જણાવીએ.

App Store

કપિલનો કેચ અને ભારતનો પહેલો વર્લ્ડ કપ

1983માં, વેસ્ટ ઈન્ડિઝની ટીમને ક્રિકેટમાં અજેય માનવામાં આવતી હતી. તેને હરાવવી એ કોઈપણ ટીમની કલ્પનાની બહાર હતું. પરંતુ ટીમ ઈન્ડિયા, જે તે સમયે અત્યંત સરેરાશ માનવામાં આવતી હતી, તેણે ફાઈનલમાં આ પડકાર સ્વીકાર્યો. હરિયાણા હરિકેન તરીકે ઓળખાતા કપિલ દેવના નેતૃત્વ હેઠળ ટીમ ઈન્ડિયા સામે ફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝનો મોટો પડકાર હતો. પરંતુ એવું કહેવાય છે, મુશ્કેલીઓમાંથી સ્ટાર્સ અને હીરો ઉભરી આવે છે. 1983નો વર્લ્ડ કપ એક સ્ટાર અને હીરોની રાહ જોઈ રહ્યો હતો. ભારત આ મેચમાં ફક્ત 183 રન જ બનાવી શક્યું. વેસ્ટ ઈન્ડિઝ માટે આ ટાર્ગેટ ખૂબ નાનો હતો. 

રન ચેઝની શરૂઆતથી જ, વિવિયન રિચર્ડ્સ ચોગ્ગાનો વરસાદ કરી રહ્યો હતો. આવી સ્થિતિમાં કેપ્ટન કપિલ દેવે બોલ મદન લાલને આપ્યો. વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન વિવિયન રિચર્ડ્સે મિડવિકેટ તરફ શોટ માર્યો. 30-યાર્ડ સર્કલની અંદર ઊભેલા કેપ્ટન કપિલ દેવે 'ઇટ્સ માઈન,ઇટ્સ માઈન' ની બૂમ પાડીને પાછળની તરફ દોડવાનું શરૂ કર્યું. તે લગભગ 30 યાર્ડ દોડ્યો અને રિચર્ડ્સનો કેચ ઝડપ્યો. રિચર્ડ્સે પોતે આ કેચ વિશે કહ્યું હતું કે તે જાણતો હતો કે તેણે ભૂલ કરી છે. આ કેચે ભારતને તેનો પહેલો વર્લ્ડ કપ જીતાડ્યો હતો. તે મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ માત્ર 140 રન જ બનાવી શકી હતી.

સૂર્યકુમારનો કેચ અને ભારતની જીત

સૂર્યકુમાર યાદવે 2024ના T20 વર્લ્ડ કપમાં પણ આવો જ ચમત્કારિક કેચ ઝડપ્યો હતો. જો સૂર્યાએ તે કેચ ન લીધો હોત, તો ટીમ ઈન્ડિયા કદાચ બીજી વખત T20 વર્લ્ડ કપ ન જીતી શકી હોત. આ ફાઈનલમાં, સૂર્યકુમાર યાદવે બાઉન્ડ્રી પર એક અદ્ભુત કેચ ઝડપ્યો હતો, જેને મેચ વિનિંગ કેચ કહેવામાં આવ્યો. વિમેન્સ વર્લ્ડ કપ ફાઈનલની જેમાં અહીં પણ ટીમ સાઉથ આફ્રિકાની હતી. મિલરે હાર્દિક પંડ્યાના બોલને લોંગ ઓફ તરફ ફટકાર્યો. બોલ બાઉન્ડ્રી લાઈન પાર કરવાનો હતો ત્યારે સૂર્યકુમારનો હાથ વચ્ચે આવી ગયો. તેણે પહેલા બોલને પકડ્યો પછી બાઉન્ડ્રી લાઈન નજીક જ બોલને હવામાં ઉછાળ્યો પછી પોતે બાઉન્ડ્રી બહાર ગયો આ દરમિયાન બોલ હવામાં જ હતો, તે જમીન પર પડે તે પહેલા સૂર્યાએ બાઉન્ડ્રીની અંદર આવીને કેચ ઝડપી લીધો અને ટીમ ઈન્ડિયાને જીત અપાવી.

મુંબઈની ફાઈનલમાં અમનજોતનો કેચ

વિમેન્સ વર્લ્ડ કપ 2025ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની જીતમાં સાઉથ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડ (101) અવરોધ બની રહી હતી. તે ખૂબ જ શાનદાર બેટિંગ કરી રહી હતી, પરંતુ તેણે દીપ્તિ વર્માના ધીમા બોલ લોંગ-ઓફ તરફ ફટકાર્યો અને ત્યાં હાજર અમનજોત કૌરે પોતાના હૃદયના ધબકારાને કાબૂમાં રાખ્યો અને એકથી બે વખત ફમ્બ્લ કરતા ત્રીજા પ્રયાસમાં કેચ ઝડપીને ભારતની જીતનો પાયો નાખ્યો. આ કેચનું મહત્ત્વ ખૂબ જ વધારે હતું, કારણ કે જે રીતે સાઉથ આફ્રિકાની કેપ્ટન બેટિંગ કરી રહી હતી, તે ટીમ ઈન્ડિયા પાસેથી મેચ છીનવી શકી હોત, પરંતુ અમનજોતના શાનદાર કેચના કારણે ભારતની વિમેન્સ ટીમ પહેલી વખત વર્લ્ડ કપ જીતી. 

આ ત્રણ કેચ ઉપરાંત હજુ એક કેચ વિશે વાત કરીએ તો વિમેન્સ વર્લ્ડ કપની ફાઈનલમાં જ જ્યારે ટીમ ઈન્ડિયાને જીતવા માટે માત્ર એક વિકેટની જરૂર હતી અને સાઉથ આફ્રિકન ખેલાડી એન.ડી. ક્લાર્ક મેચને ફરી એકવાર આફ્રિકાના પક્ષમાં લઈ જવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે દીપ્તિની છેલ્લી ઓવરના ત્રીજા બોલ પર, કેપ્ટન હરમનપ્રીત કૌરે કપિલ દેવની સ્ટાઇલમાં પાછળ દોડીને ક્લાર્કનો કેચ ઝડપ્યો અને આ વિકેટ સાથે ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની.

આ ત્રણ કેચ વર્ષો સુધી દરેક ભારતીયની યાદમાં કોતરાયેલા રહેશે. જીત માટે કેચ જરૂરી છે, પરંતુ ભારતે તો મોટી ટુર્નામેન્ટની ફાઈનલમાં અવિશ્વસનીય કેચ દ્વારા ટ્રોફી ઉપાડી છે. તમને જણાવી દઈએ કે આ ત્રણેય મેચમાં જ્યારે ટીમ ઈન્ડિયા સ્કોર ડિફેન્ડ કરવા મેદાનમાં ઉતરી ત્યારે એવું લાગતું હતું કે તે મોટો ટાર્ગેટ સેટ કરવાથી ચૂકી ગઈ છે, પરંતુ ટીમે ત્રણેય વખત સાબિત કરી દેખાડ્યું કે તે શા માટે વર્લ્ડ ચેમ્પિયન બનવાની હકદાર હતી.