215 રનથી T20I મેચ હારી આ ટીમ, 11 ખેલાડીઓ પર એકલો ભારે પડ્યો 17 છગ્ગા ફટકારનાર બેટ્સમેન

T20 ક્રિકેટમાં એક ફોર્મેટ જ્યાં 200થી વધુ રનને વિનિંગ ટોટલ ગણવામાં આવે છે, ત્યાં એક ટીમ 215 રનથી મેચ હારી ગઈ. હવે કલ્પના કરો કે વિરોધી ટીમે તેમના માટે કેટલા રન બનાવ્યા હશે? આ પરિણામ લીગ મેચનું નથી, પરંતુ T20 આંતરરાષ્ટ્રીય મેચનું છે. અમે સ્પેન અને ક્રોએશિયા વચ્ચેની T20I મેચ વિશે વાત કરી રહ્યા છીએ. આ મેચ 7 ડિસેમ્બરે રમાઈ હતી, જેમાં સ્પેને ક્રોએશિયાને 215 રનથી હરાવ્યું હતું.
સ્પેને રનનો પહાડ બનાવ્યો
સ્પેને પ્રથમ બેટિંગ કરતા રનનો પહાડ બનાવ્યો. ટીમે 20 ઓવરમાં 3 વિકેટે 290 રન બનાવ્યા, જે T20I મેચોમાં કોઈ ટીમનો પાંચમો સૌથી મોટો સ્કોર છે. સ્પેનના ઓપનર મોહમ્મદ ઈહસાને ટીમને આટલા મોટા સ્કોર સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, તે એકલા હાથે 11 ક્રોએશિયન ખેલાડીઓને પર ભારે પડ્યો.
17 છગ્ગા ફટકારનાર આ ખેલાડી આખી ટીમ પર ભારે પડ્યો
ક્રોએશિયા સામે 253.96ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરતા મોહમ્મદ ઈહસાને માત્ર 17 છગ્ગા જ નહીં પરંતુ 5 ચોગ્ગા પણ ફટકાર્યા. આ 22 બાઉન્ડ્રી સાથે તેણે માત્ર 63 બોલમાં 160 રન બનાવ્યા. જ્યારે એક જ બેટ્સમેન આટલા બધા રન બનાવે છે, ત્યારે ટીમનો સ્કોર મોટો જ હોવાનો છે. ક્રોએશિયા સામે સ્પેનનો સ્કોર પણ એવો જ હતો.
જ્યારે ક્રોએશિયા ટાર્ગેટ ચેઝ કરવા ઉતર્યું, ત્યારે તેના માટે સ્પેન દ્વારા નક્કી કરાયેલા સ્કોરને પાર કરવો મુશ્કેલ બની ગયું, તેને પહોંચવાની વાત તો દૂર ટીમ મોહમ્મદ ઈહસાનના સ્કોરને પણ પાર ન કરી, જેણે 17 છગ્ગા ફટકાર્યા હતા. ક્રોએશિયન ટીમનો 20 ઓવરમાં કુલ સ્કોર મોહમ્મદ એહસાનના 160 રનથી 85 રન ઓછો રહ્યો.
5મી સૌથી મોટી T20I હાર
291 રનનો ટાર્ગેટ ચેઝ કરતા, ક્રોએશિયા 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 75 રન જ બનાવી શક્યું. પરિણામે, તે 215 રનથી મેચ હારી ગયું, જે રનને ધ્યાનમાં લેતા ક્રોએશિયાને મળેલી સૌથી મોટી હાર છે. તે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં કોઈપણ ટીમ દ્વારા 5મી સૌથી મોટી હાર પણ છે.

