કુલદીપ યાદવને આ કારણે પ્લેઈંગ ઈલેવનમાં નથી મળી રહ્યું સ્થાન, બોલિંગ કોચે કર્યો મોટો ખુલાસો

માન્ચેસ્ટર ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયા પર મોટી લીડ મેળવી છે. ટીમ ઈન્ડિયાની પ્રથમ ઈનિંગમાં 358 રનના જવાબમાં ઈંગ્લેન્ડે તેની ઈનિંગમાં 7 વિકેટે 544 રન બનાવી લીધા છે. આ રીતે, તેણે 186 રનની લીડ મેળવી છે. આ ટેસ્ટ મેચમાં, ભારતીય બોલિંગ સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ ટીમ ઈન્ડિયાના દરેક બોલર સામે ખૂબ રન બનાવ્યા. આ દરમિયાન, ઈંગ્લેન્ડે ગુમાવેલી 7 વિકેટમાંથી 4 વિકેટ સ્પિનરે લીધી છે. આ પછી, પ્રશ્ન ઉઠવા લાગ્યો છે કે કુલદીપ યાદવને આ ટેસ્ટ મેચમાં તક કેમ ન આપવામાં આવી? ટીમના બોલિંગ કોચે આ અંગે મોટો ખુલાસો કર્યો છે.
કુલદીપ યાદવ પર મૌન તોડ્યું
ટીમ ઈન્ડિયાનો સ્ટાર સ્પિનર કુલદીપ યાદવ ચોક્કસપણે ટીમ સાથે ઈંગ્લેન્ડ ગયો છે, પરંતુ તેને હજુ સુધી એક પણ ટેસ્ટ રમવાની તક નથી મળી. માન્ચેસ્ટરમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં સ્પિનર્સને મદદ મળી રહી છે. મેચના ત્રીજા દિવસે આ વાત જોવા મળી, જ્યારે રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે ઈંગ્લેન્ડના ચાર બેટ્સમેનોને પવેલિયન મોકલ્યા. આમ છતાં, કુલદીપ યાદવને આ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ નથી કરવામાં આવ્યો. ત્રીજા દિવસની રમત સમાપ્ત થયા પછી, બોલિંગ કોચ મોર્ને મોર્કેલે પ્રેસ કોન્ફરન્સમાં કુલદીપ યાદવ વિશે મૌન તોડ્યું.
મોર્કેલે શું કહ્યું?
તેણે કહ્યું કે, "મને લાગે છે કે જ્યારે કુલદીપ યાદવને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવશે, ત્યારે અમારે એ પણ જોવું પડશે કે અમે અમારી બેટિંગ કેવી રીતે મજબૂત કરી શકીએ? અમારા માટે તે શોધવું મહત્ત્વપૂર્ણ છે." મોર્કેલે કહ્યું, "કુલદીપ એક સારો બોલર છે અને તે સારી બોલિંગ કરે છે, તેથી અમે તેને મેદાન પર ઉતારવાના રસ્તાઓ શોધવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ કમનસીબે બેટિંગ સાથે સંતુલન બનાવવું થોડું મુશ્કેલ બની રહ્યું છે."
બેટ્સમેનોએ રન બનાવવા પડશે
આ દરમિયાન, બોલિંગ કોચે ટીમમાં વધારાના ઓલરાઉન્ડરનો સમાવેશ કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો. તેણે કહ્યું, "મને લાગે છે કે અમારે ઈંગ્લેન્ડ સામે વધુ રન બનાવવાની જરૂર છે, આ માટે ટીમમાં વધારાના બેટ્સમેનનો સમાવેશ કરવો અમારી મજબૂરી બની જાય છે." મોર્કેલે કહ્યું કુલદીપ યાદવને ત્યારે જ તક મળી શકે છે જ્યારે ટોચના છ બેટ્સમેન સતત રન બનાવવાનું શરૂ કરે, નહીં તો તેના માટે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવું મુશ્કેલ બનશે.
આ દરમિયાન, મોર્કેલે એમ પણ કહ્યું કે, "સાચું કહું તો, આ વિકેટ હજુ પણ સૂકી છે અને થોડી સ્પિન પણ થઈ રહી છે. તેથી જ વોશિંગ્ટન સુંદર અને રવિન્દ્ર જાડેજાને વિકેટ મળી. જો કુલદીપ યાદવ આ મેચમાં હોત, તો અમને થોડી વધુ વિકેટ મળી હોત." તમને જણાવી દઈએ કે કુલદીપ યાદવે વર્ષ 2018માં ઈગ્લેન્ડમાં એકમાત્ર ટેસ્ટ મેચ રમી હતી.

